વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતના ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઘરકંકાસ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે કેવા ગંભીર પરિણામો આવે છે, તેનો પુરાવો આ લોહિયાળ ઘટના છે. શહેરના ખારી તલાવડી વિસ્તારમાં એક પત્નીએ જમવા જેવી સામાન્ય બાબતમાં થયેલા કંકાસમાં પોતાના જ પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
શાક અને જમવાની તકરારમાં ખેલાયો ખૂની ખેલ
મળતી માહિતી મુજબ, કુંભારવાડા ખારી તલાવડી પાસે રહેતા અમિત દેવીપુજક અને તેમની પત્ની મંજુબેન વચ્ચે આજે સવારે રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. પત્નીએ બનાવેલું શાક ભાવતું ન હોવાથી શરૂ થયેલી આ તકરાર જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી. આવેશમાં આવી ગયેલી પત્ની મંજુબેને ઘરમાં પડેલી ત્રિકમ ઉઠાવીને પતિ અમિત પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ત્રિકમના ઘા એટલા ગંભીર હતા કે અમિતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસ કાફલો અને FSLની ટીમ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ કુંભારવાડા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતાને જોઈને પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ (FSL) ની ટીમની પણ મદદ લીધી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી પત્ની મંજુબેન અમિતભાઈ દેવીપુજકની ધરપકડ કરી લીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પારિવારિક ઝઘડાનું કરુણ અંજામ: ACPની પ્રતિક્રિયા
આ સમગ્ર મામલે વડોદરા પોલીસના એસીપી (ACP) જી. બી. બાંભણિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, "આજરોજ સવારના આશરે સાડા સાત થી આઠ વાગ્યાના અરસામાં કુંભારવાડા જેલ રોડ પાસે આવેલી ખારી તલાવડી વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો છે. જેમાં મરણ જનાર અમિતભાઈ દેવીપુજક છે, જેમના પત્ની મંજુબેન છે. આ બંને વચ્ચે અગાઉ પણ ઝઘડાઓ થતા હતા અને આજે સવારે પણ જમવા બાબતે તથા અન્ય કોઈ ઘરકંકાસ બાબતે ઝઘડો થતા, પત્નીએ ઉશ્કેરાઈ જઈને ઘરમાં પડેલી ત્રિકમ વડે અમિતભાઈના માથાના ભાગે તથા શરીરના ભાગે ઘા કરેલા, જેથી અમિતભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. હાલમાં આરોપી મંજુબેનની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."





