વડોદરા: ગુજરાતમાં ગરમીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં વડોદરા શહેર અત્યારે ગરમીનું હબ બન્યું છે. શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા માત્ર મનુષ્યો જ નહીં, પણ મૂંગા પશુ-પંખીઓ પણ ગરમીથી બેહાલ બન્યા છે. વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા વન્યજીવોને આ કાળઝાળ ગરમી અને હીટવેવની અસરમાંથી બચાવવા માટે ઝૂ વહીવટી તંત્ર દ્વારા ખાસ ‘સમર પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. વન્યજીવોને ઠંડકનો અહેસાસ કરાવવા માટે પાંજરામાં એર કૂલર, બરફની લાદીઓ અને ખાસ આહારની વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, રીંછ અને વિવિધ વિદેશી પક્ષીઓ માટે ગરમી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આથી, વન્યજીવોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઝૂ ક્યુરેટર દ્વારા વિશેષ દેખરેખ હેઠળ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પાંજરાની અંદરનું તાપમાન જાળવી રાખવા માટે સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી વન્યજીવોને કુદરતી ઠંડક મળી રહે.
પાંજરામાં બરફની લાદીઓ અને પાણીના ફુવારા
સયાજીબાગ ઝૂના સત્તાધીશો દ્વારા હિંસક પ્રાણીઓના પાંજરામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને સફેદ વાઘ અને રોયલ બેંગોલ ટાઈગર માટે પાંજરામાં બરફની મોટી લાદીઓ મૂકવામાં આવી છે, જેના પર બેસીને કે તેની આસપાસ રહીને પ્રાણીઓ ઠંડક મેળવી રહ્યા છે. આ ઉપરાંત, પક્ષીઓના પાંજરામાં અને હિંસક પ્રાણીઓના એન્ક્લોઝરમાં સતત ફોગર્સ (પાણીના ફુવારા) ચલાવવામાં આવે છે, જે ગરમ હવાને ઠંડી રાખવામાં મદદરૂપ થાય છે.

ખોરાકમાં ફેરફાર: તરબૂચ અને કાકડીની જયાફત
ગરમીમાં વન્યજીવોના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તેમના ડાયટ ચાર્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રીંછ અને વાંદરાઓ જેવા પ્રાણીઓને તરબૂચ, શક્કરટેટી અને કાકડી જેવા જળતત્વ ધરાવતા ફળો આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પીવાના પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને ગ્લુકોઝ ભેળવવામાં આવે છે જેથી ડિહાઈડ્રેશનનું જોખમ ટાળી શકાય. હિંસક પ્રાણીઓને અપાતા માસના જથ્થામાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યો છે.

ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરનું નિવેદન
સમગ્ર વ્યવસ્થા અંગે સયાજીબાગ ઝૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, “સરકારી વિભાગો દ્વારા મળેલા હીટવેવના પરિપત્રોને ધ્યાનમાં રાખીને અમે પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી. સવાર-સાંજ બે સમય પાંજરામાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે. મુલાકાતીઓ માટે પણ પાથવે પર ઠંડકની વ્યવસ્થા છે. પ્રાણીઓને હીટ સ્ટ્રેસ ન લાગે તે માટે પીવાના પાણીમાં સ્ટ્રેસ સપ્લીમેન્ટ્સ ઉમેરવામાં આવે છે. તેમજ પાંજરાની ઉપર નાળિયેરીના ત્રાલસા (સૂકા પાન) અને ગ્રીન નેટ બાંધીને તેના પર પાણી છાંટી કુદરતી એસી જેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.”





