વડોદરા તાલુકાના ઈંટોલા ગામ પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુંદરપુરા ગામેથી સવારે બાઈક લઈને કામ પર જવા નીકળેલા 25 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ચીકુના ઝાડ સાથે દોરડું બાંધી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વરણામા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે અને આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.
સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફર્યો
મળતી વિગત મુજબ, મૂળ ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના વતની અને હાલ વડોદરા નજીક સુંદરપુરા સ્થિત 'રોઝડેલ કાઉન્ટી સોસાયટી'માં રહેતા કૌશિકકુમાર અશ્વિનભાઈ પટેલ (ઉંમર 25 વર્ષ) 24 મી તારીખે સવારે 9:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા. તેમણે પોતાની માતાને "હું કામ પર જાઉં છું" તેમ કહીને પોતાની બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા. પરિવારજનોને લેશમાત્ર અંદાજ નહોતો કે કૌશિકકુમારનું આ છેલ્લું સંબોધન હશે.
ખેતરમાં વૃક્ષ નીચે લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
સાંજે ચાર વાગ્યાના સુમારે ઈંટોલા ગામના રોડ પર આવેલા સાંઈ દર્શન કોમ્પલેક્ષની સામે પરેશ કાકાના કુવા પાસેના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા દોડધામ મચી ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, કૌશિકભાઈએ ચીકુના વૃક્ષ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસ તપાસ અને રહસ્ય
ઘટનાની જાણ થતા જ વરણામા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાન કૌશિકભાઈએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો: 'રોક શકો તો રોક લો'.. વડોદરાના માંજલપુરના MLA યોગેશ પટેલનો વિજય હુંકાર : આરોપોનો આપ્યો જવાબ
સવારે હસતા મોઢે ઘરેથી નીકળેલા યુવકના આપઘાતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કૌશિકભાઈના મોબાઈલ ડિટેલ્સ અને અંગત જીવન અંગે પૂછપરછ શરૂ કરી છે. ભરયુવાનીમાં આ રીતે પુત્રએ જીવન ટૂંકાવતા રોઝડેલ કાઉન્ટી સોસાયટી અને કાયાવરોહણ પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.





