વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિ-પત્ની અને પ્રેમના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઇલોરાપાર્ક પોલીસ ચોકીમાં જ એક યુવતીએ યુવકને જાહેરમાં થપ્પડ મારી દીધી હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ, યુવતીએ યુવક સામે તાંત્રિક વિધિ કરીને લગ્ન કરવા મજબૂર કરવાનો અને શારીરિક-માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
શહેરના કરોડિયા રોડ પર આવેલી ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય પાર્થ અશોકભાઈ રોહિતે નોંધાવેલી ફરિયાદ અનુસાર, અરજદાર ઉર્વશી નાઈ દ્વારા તેમની વિરુદ્ધ કરવામાં આવેલી અરજીના અનુસંધાને તેમને નિવેદન માટે ઇલોરાપાર્ક પોલીસ ચોકી ખાતે બોલાવવામાં આવ્યા હતા. પાર્થ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ત્યાં પહોંચ્યો ત્યારે ઉર્વશીએ ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલી ઉર્વશીએ પાર્થને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી અને તેના ઓળખીતા મનીષ રાઠોડ, આશીફ ઉર્ફે મુચ્છડ અને સબો નામના શખ્સોને બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના સાયલામાં નકલી DYSP ઝડપાયો : વર્ધીના ફોટા-વીડિયો મૂકી રોફ જમાવતો હોવાનો આરોપ
નડિયાદના તાંત્રિક પાસે વિધિ કરાવી લગ્ન કર્યા: યુવતીનો આક્ષેપ
બીજી તરફ, યુવતી ઉર્વશીએ પોતાની આપવીતી જણાવતા યુવક પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ઉર્વશીના જણાવ્યા મુજબ, એક્સિસ બેંકમાં નોકરી કરતી વખતે પાર્થ સાથે તેની મિત્રતા થઈ હતી. પાર્થે અગાઉ તેની પાસેથી મોટી રકમ પડાવી લીધી હતી. પૈસા પાછા માંગતા પાર્થે પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતા પાર્થે નડિયાદના એક તાંત્રિકના માધ્યમથી તાંત્રિક વિધિઓ કરાવીને તેને લગ્ન કરવા માટે મજબૂર કરી હતી.
સાડા ત્રણ મહિના બંધક બનાવી, આત્મહત્યાનો પ્રયાસ કર્યો
યુવતીએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેને સાડા ત્રણ મહિના સુધી ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી અને અસહ્ય શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને તેણે અગાઉ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
દોઢ વર્ષથી ન્યાય માટે ભટકતી યુવતીનો પોલીસ સામે આક્રોશ
યુવતીએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "હું છેલ્લા દોઢ વર્ષથી ન્યાય માટે લડી રહી છું. મેં અત્યાર સુધીમાં 7 જેટલી અરજીઓ કરી છે, પરંતુ હજી સુધી મને કોઈ ન્યાય મળ્યો નથી." તેણે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ લાઠિયા સામે પણ આક્ષેપ કર્યો હતો કે તેઓ તેની ફરિયાદ નોંધતા નથી અને કોઈ નક્કર કાર્યવાહી કરી રહ્યા નથી. યુવતીએ ઉચ્ચ પોલીસ પ્રશાસનને વિનંતી કરી છે કે આરોપી પાર્થ રોહિત સામે કડક ગુનો નોંધી તેને ન્યાય અપાવવામાં આવે. હાલ આ મામલો સમગ્ર વડોદરામાં ચર્ચાનો વિષય બન્યો છે.





