વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગણેશ મંડળની સવારી પર ઈંડા ફેકાતા વિવાદ સર્જાયો છે. ગત મોડી રાત્રે નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશ મંડળ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ હતી. શાંતિપ્રિય શહેર વડોદરામાં ધાર્મિક તહેવારમાં છમકલુ થતાં ખળભળાટ મચ્યો છે. સમગ્ર મામલે આક્ષેપ કરાયો છે કે, પોલીસની હાજરીમાં ઈંડા ફેકવાની ઘટના બની હતી.
પોલીસે તપાસ હાથધરી
ગણેશ મંડળની શ્રીજીની પ્રતિમાને લઈ મંડળના સ્વયંસેવકો પાણીગેટથી માંડવી તરફ મોડી રાત્રે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન સવારી પર ઈંડા ફેકવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનાનો મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર મામલે મંડળના સ્વયંસેવકો, હિન્દુ સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે. સંવેદનશીલ વિસ્તારમાં થયેલા કાકરીચાળાને લઈને પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વિસ્તારમાં ગોઠવ્યો છે.
શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઓફ કર્યા
પોલીસે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઓફ કર્યા છે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા પંચનામું કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
''પોલીસની હાજરીમાં ઈંડા ફેંકવામાં આવ્યા છે''
વિશ્વ હિન્દુ પરિષદના વડોદરા નગર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અત્યારે વડોદરા શહેરમાં શ્રીજીની મૂર્તિની ઉપર તેમજ કાર્યકરો પર પોલીસની હાજરીમાં ઈંડા ફેંકવામાં આવ્યા છે અને રોડની બંને બાજુથી ફેંકવામાં આવ્યા છે, એટલે અમારા માનવા મુજબ આ એક ષડયંત્રનો ભાગ છે. આ ષડયંત્રમાં જે કોઈ સામેલ હોય એની તપાસ કરીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે''






