Local government election: વડોદરા હંમેશા તેની પરંપરાઓ અને સંસ્કૃતિ માટે જાણીતી રહી છે, પરંતુ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ નગરી પરંપરા અને આધુનિક ટેકનોલોજીના અનોખા સંગમની સાક્ષી બની રહી છે. વડોદરાના રાજકારણમાં હવે જૂની અને પરંપરાગત પ્રચાર પદ્ધતિઓ ઈતિહાસના પાનાઓમાં દટાઈ રહી છે. ‘નેતાજી’ હવે મતદારોના ઘરના ઉંબરા સુધી પહોંચવાને બદલે સીધા તેમના ખિસ્સામાં રહેલા સ્માર્ટફોન સુધી પહોંચી ગયા છે. બેનરો, હોર્ડિંગ્સ અને કાગળની પત્રિકાઓનું સ્થાન હવે સોશિયલ મીડિયાની ‘રીલ્સ’ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ લઈ લીધું છે, જે ચૂંટણી જંગને વધુ સ્માર્ટ અને હાઈટેક બનાવી રહ્યું છે.
AI બન્યું ચૂંટણીનું નવું હથિયાર: વોઈસ ક્લોનિંગનો કમાલ
આ વખતની ચૂંટણીમાં સૌથી શક્તિશાળી હથિયાર તરીકે 'AI' એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉભરી આવ્યું છે. વડોદરાના કેટલાક હાઈટેક ઉમેદવારો પોતાનો અવાજ ક્લોન કરાવી રહ્યા છે. જ્યારે કોઈ મતદારને ફોન આવે છે, ત્યારે સામે છેડે સાક્ષાત્ ઉમેદવાર જ તેમની સાથે વાત કરી રહ્યા હોય તેવો આબેહૂબ અહેસાસ થાય છે. પર્સનલાઈઝ્ડ મેસેજિંગ ટેકનોલોજી દ્વારા દરેક મતદારને એવું લાગે છે કે નેતાજી ખાસ તેમને જ સંબોધી રહ્યા છે. આ પદ્ધતિને કારણે ઉમેદવારો ઓછા સમયમાં હજારો મતદારો સાથે વ્યક્તિગત સંપર્ક સાધવામાં સફળ રહ્યા છે.
આ પણ વાંચો: વડોદરામાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે તલવારો ઉછળી : બાપોદ પોલીસે જાહેર રસ્તા પર આ રીતે ભણાવ્યો કાયદાનો પાઠ
QR કોડ સ્કેન કરો અને ઉમેદવારનો બાયોડેટા મેળવો
ભૂતકાળમાં પ્રચાર પત્રિકાઓના થોકડા વહેંચાતા હતા જે રસ્તા પર કચરો બનીને પડ્યા રહેતા હતા, પરંતુ હવે આ ચિત્ર બદલાયું છે. ઉમેદવારો હવે વિઝિટિંગ કાર્ડ જેવી નાની અને આકર્ષક સ્લિપ આપી રહ્યા છે, જેમાં QR કોડ પ્રિન્ટ કરેલો હોય છે. મતદાર આ કોડ સ્કેન કરે એટલે તરત જ ઉમેદવારનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ, તેમની શૈક્ષણિક લાયકાત અને તેમના વિસ્તાર માટેના વિઝનનો ખાસ વીડિયો સ્માર્ટફોન પર પ્લે થાય છે. ડિજિટલ એડ્સ અને સ્ટીકરોની માંગમાં આ વખતે 20 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે.
ઈન્ફ્લુએન્ઝર્સ અને ગેમિંગ એપ: યુવા મતદારો પર નજર
મોટા ગજાના સ્ટાર પ્રચારકો કરતા હવે સ્થાનિક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર્સની બોલબાલા વધી છે. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર લોકપ્રિય હોય તેવા યુવાનોને રાજકીય પક્ષો દ્વારા હાયર કરવામાં આવી રહ્યા છે. પ્રથમવાર મતદાન કરનાર 'ફર્સ્ટ ટાઈમ વોટર્સ' ને આકર્ષવા માટે ‘ગેમિંગ એપ’ માં જાહેરાતો પણ લોન્ચ કરવામાં આવી છે. માંડવી અને રાવપુરા જેવા શહેરના જૂના વિસ્તારોમાં યોજાતી ‘શેરી બેઠકો’ પણ હવે ફેસબુક લાઈવના માધ્યમથી ગલી-ગલી સુધી અને વિદેશમાં વસતા વડોદરાવાસીઓ સુધી પહોંચી રહી છે.
ગ્રીન કેમ્પેઈન: પત્રિકા ફેંકશો નહીં, કુંડામાં વાવો!
ટેકનોલોજીની સાથે વડોદરામાં પર્યાવરણ જાળવણીનો એક અદભૂત પ્રયોગ પણ જોવા મળ્યો છે. એક જાગૃત ઉમેદવારે 'સીડ પેપર' (બીજવાળા કાગળ) માં પોતાની પ્રચાર પત્રિકાઓ છપાવી છે. આ પત્રિકાની વિશેષતા એ છે કે, જો મતદાર તેને કચરામાં ફેંકવાને બદલે કુંડામાં માટી નીચે દાબશે અને પાણી પાશે, તો તેમાંથી તુલસી કે ફૂલનો છોડ ઉગશે. 'પ્રચારની સાથે પર્યાવરણ' નો આ સંદેશ અત્યારે આખા સંસ્કારીનગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો આ નવીન પહેલને વધાવી રહ્યા છે.





