Home Gujarat Vadodara Vadodara Ajwa Road Wedding Violence Swords Clash Police Arrest 11

દાદાગીરી ઉતરી ગઈ! : વડોદરામાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે તલવારો ઉછળી, પોલીસે આ રીતે કાઢી આરોપીઓની હેકડી

Vadodara News Swords Clashed Arrested Bapod Police
Published by: Nirali Gohil
Last Updated: Apr 08, 2026, 06:41 AM IST

Vadodara News: વડોદરાના આજવા રોડ પર ગત મોડી રાત્રે લગ્ન પ્રસંગના ઉત્સાહ વચ્ચે હિંસક અથડામણ થતા ચકચાર મચી ગઈ છે. શહેરના એકતાનગરમાં આયોજિત એક લગ્ન સમારોહ દરમિયાન માત્ર રસ્તા પર પાણી ઢોળવા જેવી ક્ષુલ્લક બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષના લોકો લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ હિંસક મારામારીને કારણે લગ્નનું માંગલિક વાતાવરણ ભય અને અફરાતફરીમાં ફેરવાઈ ગયું હતું. જોકે, બાપોદ પોલીસે આ મામલે ત્વરિત એક્શન લઈને હુમલાખોરોની શાન ઠેકાણે લાવી દીધી છે.

પાણી ઢોળવાની સામાન્ય વાતમાં તલવારો નીકળી

ઘટનાની વિગતો મુજબ, એકતાનગરમાં લગ્નનો માહોલ હતો અને મહેમાનોની અવરજવર ચાલુ હતી. આ દરમિયાન રસ્તા પર પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોકે, ક્ષણભરના આવેશમાં કેટલાક શખ્સો તલવાર અને ડાંગ (લાકડીઓ) લઈને સામસામે આવી ગયા હતા. જાહેરમાં હથિયારો ઉછળતા જોઈ સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. આ હિંસક અથડામણમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વડોદરામાં એકાએક વાતાવરણમાં પલટો : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ, પાદરામાં 'તાંડવ' જેવી સ્થિતિ

બાપોદ પોલીસનો સપાટો: 11 શખ્સોની ધરપકડ

હિંસાની જાણ થતા જ બાપોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ સીસીટીવી અને સ્થાનિક પૂછપરછના આધારે હિંસામાં સામેલ કુલ 11 ઈસમોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં:

  • એક પક્ષના 5 આરોપીઓ

  • બીજા પક્ષના 4 આરોપીઓ

  • કાયદાના સંઘર્ષમાં આવેલા 2 સગીર વયના કિશોરોનો સમાવેશ થાય છે.

પોલીસે શાન ઠેકાણે લાવી: જાહેરમાં માફી મંગાવી ઉઠબેસ કરાવી

વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો ડર જળવાઈ રહે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ બેસે તે હેતુથી બાપોદ પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. પોલીસે પકડાયેલા શખ્સોનું જે-તે વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. જે શખ્સો થોડા સમય પહેલા તલવારો લઈને દાદાગીરી કરતા હતા, તેમણે પોલીસના સકંજામાં આવતા જ નરમ પડીને જાહેરમાં કાન પકડી ઉઠબેસ કરી હતી અને લોકોની માફી માંગી હતી. પોલીસની આ કાર્યવાહીને સ્થાનિકોએ બિરદાવી હતી.

લગ્નની ખુશીઓ શોકમાં ફેરવાતા રહી ગઈ

આ હિંસક ઘટનાને પગલે લગ્નની રોનક ઓસરી ગઈ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. સદનસીબે પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. હાલમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now