Home Gujarat Vadodara Vadodara Election Boycott No Water No Vote Ward 1 Asmita Park Society Protest Water Issue

વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો બળવો : 'પાણી નહીં તો વોટ નહીં' ના બેનરો સાથે સ્થાનિકોએ છેડ્યો જંગ

Vadodara Election Boycott
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 03, 2026, 06:35 AM IST

Vadodara Election Boycott: ગુજરાતમાં આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાના વોર્ડ નંબર ૧ માં સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરની અસ્મિતા પાર્ક સોસાયટીના રહીશોએ વર્ષો જૂની પાણીની ગંભીર સમસ્યાનો ઉકેલ ન આવતા આક્રમક વલણ અપનાવ્યું છે. સોસાયટીના મુખ્ય ગેટ અને વિવિધ વિસ્તારોમાં "પાણી નહીં તો વોટ નહીં" ના બેનરો લગાવીને ચૂંટણી બહિષ્કારનું એલાન કરવામાં આવ્યું છે. આ અચાનક ઉભી થયેલી પરિસ્થિતિને પગલે રાજકીય પક્ષો અને સ્થાનિક ઉમેદવારોમાં દોડધામ મચી ગઈ છે, કારણ કે મતદારોએ સ્પષ્ટ કર્યું છે કે સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે,તેઓ છેલ્લા પાંચ વર્ષથી પીવાના પાણીની અછત અને લો-પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા છે, જેના કારણે હવે જનતાનો ધીરજ ખૂટી છે. ચૂંટણી ટાણે જ જનતાએ અપનાવેલો આ વિરોધનો માર્ગ વડોદરાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગૃહિણીઓથી લઈને વડીલો સુધીના તમામ લોકો હવે એકસૂરે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, જે આગામી ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે.

પાંચ વર્ષની રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય: રહીશોનો આક્રોશ

અસ્મિતા પાર્ક સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી, જેને કારણે રોજિંદા કામકાજમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે છેલ્લા પાંચ વર્ષથી કોર્પોરેશનની કચેરીઓ અને સ્થાનિક કોર્પોરેટરોના ઉંબરા ઘસી નાખ્યા છે. લેખિત અને મૌખિક રજૂઆતો છતાં સ્થિતિ જસની તસ છે. હવે જ્યારે નેતાઓ વોટ માંગવા આવશે, ત્યારે અમે તેમને પૂછીશું કે, પાંચ વર્ષ સુધી અમારી તરસ કેમ ન છિપાઈ? અમારું કામ નહીં થાય તો અમે કોઈને વોટ આપીશું નહીં."

આ પણ વાંચો: વડોદરામાં કાયદો-વ્યવસ્થા પર સવાલ : એક જ દિવસે બે લૂંટની ઘટના, મહિલાનો અછોડો ખેંચાયો, વેપારીને ચાકુની અણીએ લૂંટ્યો

કોંગ્રેસના ગઢમાં ગાબડું પડવાની ભીતિ: રાજકીય સમીકરણો બદલાશે?

મહત્વની વાત એ છે કે, આ વોર્ડમાં ગત ચૂંટણીમાં ચારેય કોર્પોરેટરો કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયા હતા. વિપક્ષનો ગઢ ગણાતા આ વિસ્તારમાં જ જો મતદારો આ રીતે નારાજ હોય, તો આગામી ચૂંટણીમાં પક્ષને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. રહીશોનો રોષ માત્ર સત્તાધારી પક્ષ સામે જ નહીં, પરંતુ જે પ્રતિનિધિઓને વિશ્વાસ સાથે ચૂંટીને મોકલ્યા હતા તેમની નિષ્ક્રિયતા સામે પણ જોવા મળી રહ્યો છે. જો આ સોસાયટીના મતો નહીં મળે, તો આખા વોર્ડના જીત-હારના સમીકરણો બદલાઈ શકે છે.

સોસાયટીમાં બેનર વોર અને નેતાઓને પ્રવેશબંધીની ચીમકી

સોસાયટીના રહીશોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે જો પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો એક પણ પક્ષને મતદાન કરવામાં આવશે નહીં. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે કોઈ પણ પક્ષના નેતાએ પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશવો નહીં. જો તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો મતદાનના દિવસે પણ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન આ પાણીની પળોજણનો ઉકેલ લાવે છે કે પછી જનતા ખરેખર પોતાના મતાધિકારનો ત્યાગ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now