સંસ્કારી નગરી વડોદરામાં બેફામ વાહનચાલકોનો આતંક યથાવત હોય તેમ વધુ એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા રાજીવનગર પાસે એક કારચાલકે રિવર્સ લેતી વખતે ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક નિર્દોષ સાયકલ સવાર વૃદ્ધનો ભોગ લેવાતા રહી ગયો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, વડોદરાના પોશ વિસ્તાર દિવાળીપુરા વિસ્તારમાંથી એક સિનિયર સિટીઝન પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ઉભેલી એક કારના ચાલકે અચાનક ગાડી રિવર્સમાં લીધી હતી. રિવર્સ લેતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ફૂલ સ્પીડમાં પાછળ આવી હતી અને સાયકલ સવાર વૃદ્ધને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર વૃદ્ધને આશરે 20 ફૂટથી વધુ અંતર સુધી ઢસડી ગઈ હતી અને અંતે ડિવાઈડર પર ચડી ગઈ હતી.
CCTVમાં કેદ થયા ભયાનક દ્રશ્યો
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કારચાલકની એક નાની ભૂલ અને બેદરકારીને કારણે વૃદ્ધને કેવી ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ અકોટા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. વી. બલદાણીયાએ જણાવ્યું હતું કે, "અકસ્માત અંગેની માહિતી મળતા જ ટીમ રવાના કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધની તપાસ માટે ટીમ હોસ્પિટલ પણ મોકલાઈ છે. હાલ CCTV ફૂટેજ કબજે કરીને કારચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે."
વધતા અકસ્માતો ચિંતાનો વિષય
વડોદરામાં સમયાંતરે બનતી આવી ઘટનાઓ વાહનચાલકોની બેદરકારી સામે સવાલો ઉભા કરે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને સ્પીડ પર કાબૂ ન હોવાને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો કે ગંભીર ઇજાઓ ભોગવવાનો વારો આવે છે. પોલીસ હવે આ મામલે કડક વલણ અપનાવે તેવી લોક માંગ ઉઠી છે.





