RTO Challan Scam: ડિજિટલ યુગમાં સાયબર ઠગો હવે સામાન્ય નાગરિકો જ નહીં પણ સરકારી કર્મચારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા એક રેલવે સુપરવાઈઝર સાથે ટ્રાફિક દંડના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ઠગોએ માત્ર એક નકલી APK ફાઇલ (એપ્લિકેશન) મોકલીને પીડિતનો આખો ફોન હેક કરી લીધો અને તેમના નામે જ પર્સનલ લોન મેળવી ₹12.86 લાખ પડાવી લીધા હતા. આ ઘટનાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને અજાણી લિંક્સ સામે ફરી એકવાર લાલબત્તી ધરી છે.
ભૂલથી ક્લિક થયેલી એક લિંક ભારે પડી
ન્યુ સમા રોડ પર સ્થિત સિદ્ધંત ફ્લેટમાં રહેતા 50 વર્ષીય રજનીશ સુરેશચંદ્ર સન રેલવેમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. ગત 18 જાન્યુઆરીના રોજ તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી 'RTO Traffic Challan' નામની એક ફાઇલ આવી હતી. રજનીશભાઈના ભાઈની ગાડી અન્ય રાજ્યમાંથી આવી હોવાથી તેમને લાગ્યું કે કદાચ રસ્તામાં કોઈ ટ્રાફિક નિયમનો ભંગ થયો હશે અને આ તેનું જ ચલણ હશે. આ શંકાના આધારે તેમણે ફાઇલ ડાઉનલોડ કરવા લિંક પર ક્લિક કર્યું, જે ખરેખર સાયબર ઠગોએ બિછાવેલી જાળ હતી.
SIM કાર્ડ બંધ કરાવીને ખેલ પાડ્યો
ફાઇલ ડાઉનલોડ થયાના ગણતરીના કલાકોમાં જ રજનીશભાઈનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ઠગોએ અત્યંત ચાલાકીથી પીડિતના નામે ખોટી વિનંતી મોકલીને તેમનું સિમ કાર્ડ બંધ કરાવી દીધું હતું. સિમ કાર્ડ બંધ થવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે બેંકમાંથી થતા ટ્રાન્ઝેક્શનના OTP (વન ટાઈમ પાસવર્ડ) કે મેસેજ પીડિતને ન મળે અને ઠગો પડદા પાછળ આરામથી બેંક ખાતામાં સેંધ મારી શકે. જોકે, રજનીશભાઈએ સિમ કાર્ડ ફરી ચાલુ કરાવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.
આ પણ વાંચો: લોકશાહીના પર્વ પર ગરમીની ‘સ્ટ્રાઈક’ : વડોદરાના રણમેદાનમાં ઉમેદવારો કેમ ચિંતામાં મુકાયા?
પોતાના નામે જ લોન મંજૂર કરાવી રકમ ઓળવી ગયા
આ છેતરપિંડીનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે 7 ફેબ્રુઆરીના રોજ રજનીશભાઈના બેંક ખાતામાંથી ₹24,427નો હપ્તો (EMI) કપાયો. તેમણે બેંકમાં જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે, તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઠગોએ ઓનલાઇન ₹12,86,801ની પર્સનલ લોન મેળવી લીધી હતી. આ લોનની રકમ ખાતામાં જમા થતાની સાથે જ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા અન્ય અજાણ્યા ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી.
APK ફાઇલ એટલે શું? એક્સપર્ટની ચેતવણી
સાયબર એક્સપર્ટ્સના મતે, APK ફાઇલ એ એન્ડ્રોઇડ ફોનમાં ડાયરેક્ટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે વપરાય છે. જ્યારે તમે કોઈ અજાણી લિંક પરથી આવી ફાઇલ ડાઉનલોડ કરો છો, ત્યારે તે તમારા ફોનના કેમેરા, માઇક્રોફોન, મેસેજ અને કોન્ટેક્ટ્સનો પૂરો એક્સેસ ઠગોને આપી દે છે. આથી, ગમે તેટલી ઉતાવળ હોય તો પણ વોટ્સએપ કે એસએમએસ પર આવતી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું જોઈએ.
વડોદરા સાયબર ક્રાઈમની અપીલ
આ મામલે રજનીશભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ ટ્રાન્ઝેક્શનની વિગતો અને આઈપી એડ્રેસના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસની નાગરિકોને નમ્ર અપીલ છે કે:
કોઈપણ સરકારી વિભાગ ક્યારેય વોટ્સએપ પર APK ફાઇલ મોકલતો નથી.
હંમેશા સત્તાવાર ગવર્મેન્ટ વેબસાઇટ પર જઈને જ ચલણ તપાસવું.
જો તમે છેતરપિંડીનો ભોગ બનો, તો વિલંબ કર્યા વગર 1930 નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવો.





