Home Gujarat Vadodara Cyber Crime Arrests Nigerian Frommumbai

બિઝનેસમેન સાથે રૂપિયા 1.24 કરોડની ઠગાઈ : વડોદરા સાયબર ક્રાઇમે નાઇજીરિયનની મુંબઈથી કરી ધરપકડ

બિઝનેસમેન સાથે રૂપિયા 1.24 કરોડની ઠગાઈ
Published by: OBS Bureau
Last Updated: May 19, 2025, 03:54 PM IST

વડોદરા શહેરમાં તાજેતરમાં એક મોટો સાયબર ઠગાઈનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં નાઇઝીરીયન નાગરિકે ખોટી ઓળખ આપી એક બિઝનેસમેન સાથે અંદાજે 1.24 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી છે. ઠગાઇના આ કેસમાં વડોદરા શહેર પોલીસની સાયબર ક્રાઈમ ટીમે મુંબઇથી એક નાઇઝીરીયનની ધરપકડ કરી છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે કાર્યરત વડોદરાના એક બિઝનેસમેનને અજાણ્યા ઇમેઇલ આઈડી પરથી સંપર્ક કરવામાં આવ્યો હતો. ઇમેઇલમાં એ વ્યક્તિએ પોતાને એક જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીનો અધિકારી હોવાનો દાવો કર્યો હતો અને આયુર્વેદિક લિક્વીડનો મોટો ઓર્ડર આપવા ઈચ્છા દર્શાવી હતી. વિશ્વાસ કેળવ્યાં બાદ ઈમેલ કરનાર વ્યક્તિએ વેપારી પાસેથી ઓર્ડરની વિવિધ પ્રક્રિયાઓ તથા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ફી તરીકે કુલ રૂ. 1,24,89,200 રૂપિયા ભરાવડાવ્યા હતા.


કેટલાક સમય બાદ પણ ઓર્ડર બાબતે કોઈ પુષ્ટિ ન મળતાં અને સંપર્ક પણ નહીં થતાં બિઝનેસમેનને શંકા ગઈ અને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ તપાસ દરમ્યાન પ્રાપ્ત થયેલા ઈલેક્ટ્રોનિક ડેટા અને ટ્રાન્ઝેક્શનના આધારે મુખ્ય આરોપીને લોકેટ કરી તેણે મુંબઈથી પકડી લેવામાં આવ્યો. મુખ્ય આરોપી 41વર્ષીય ગેબ્રિયેલ ઓયેકાનીને વડોદરા લઈ આવી સાયબર ક્રાઇમ સેલે વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરા શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપી ગેબ્રિયેલ ઓયેકા છેલ્લા કેટલાક સમયથી ભારતમાં રહેતો હતો અને સાયબર ઠગાઇ કરતા ઈન્ટરનેશનલ નેટવર્ક સાથે સંકળાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે તેને રિમાન્ડ પર લઈને અન્ય સાગરિતો અને વધુ ભોગ બનનાર લોકો અંગે તપાસ આગળ ધપાવી છે.


આ કેસ ફરી એક વખત ઇન્ટરનેટ પર થઈ રહેલી વૈશ્વિક સ્તરની ઠગાઈઓ અને તેમાં વપરાતા નવીન ટેકનિકલ માધ્યમોની ગંભીરતા તરફ ઇશારો કરે છે. વેપારીઓને વધુ સજાગ રહેવા અને અજાણ્યા ઈમેઇલ, લિંક અથવા વ્યવસાયિક ઓફરો પર ભરોસો કરતા પહેલાં પૂરતી સતર્કતા રાખવા સાયબર ક્રાઇમ સેલદ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now