વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે. ત્યારે તંત્ર સામે આક્ષેપોનો મારો વધ્યો છે. બ્રીજ પરથી નદીમાં ખાબકેલ ટ્રકને તાત્કાલિક બહાર કાઢવા જો તુરંત હવાઈ મદદ લેવાઈ હોત તો કેટલીક માનવ જીંદગી બચાવી શકાઈ હોત તેવા આક્ષેપો થયા છે ત્યારે જીલ્લા કલેકટર અનીલ ધામેલીયાએ જણાવ્યું હતુ કે હેલીકોપ્ટરની વજન ઉંચકવાની ચોક્કસ ક્ષમતા હોય છે હેલિકોપ્ટરની પાંચ ટનથી વધુ વજન ઉંચકવાની ક્ષમતા નથી, જ્યારે સ્થળ પર ૧૫૦ ટન વજન ઊંચકવાની જરૂરિયાત હતી.કાદવ કીચડને કારણે હેલિકોપ્ટર જેવી હવાઈ મદદ મર્યાદિત બની હતી
વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ બીજા દિવસે રાહત અને બચાવ કાર્ય અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, અકસ્માતના આશરે ૧૫ મિનિટ બાદ જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને જુદી જુદી ટીમો દ્વારા સતત કામગીરી ચાલી રહી છે.
ગુમ ત્રણ વ્યક્તિઓ ની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમો સતત કાર્યરત
બચાવ કામગીરીની અત્યાર સુધીમાં કુલ 18 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે પાંચ વ્યક્તિઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. તેમની સ્થિતિ સ્થિર છે અને હોસ્પિટલમાંથી સારવાર મેળવી રહ્યા છે. બીજી તરફ હજુ પણ ત્રણ વ્યક્તિઓ ગુમ છે અને તેમની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમો સતત કાર્યરત છે. બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
હેલિકોપ્ટરની પાંચ ટનથી વધુ વજન ઉંચકવાની ક્ષમતા નથી
કલેક્ટરે જણાવ્યું હતું કે, બચાવ કામગીરીમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને, કાદવ કીચડને કારણે હેલિકોપ્ટર જેવી હવાઈ મદદ મર્યાદિત બની હતી, કારણ કે હેલિકોપ્ટરની પાંચ ટનથી વધુ વજન ઉંચકવાની ક્ષમતા નથી, જ્યારે સ્થળ પર ૧૫૦ ટન વજન ઊંચકવાની જરૂરિયાત હતી.
એરફોર્સ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે વિચાર-વિમર્શ કર્યો હતો
આ પડકારને પહોંચી વળવા માટે, ભારતીય વાયુસેના (એરફોર્સ) અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની ટીમો સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, પુલી સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બુલેટ ટ્રેન અને L&T ની ટીમોના સહયોગથી પુલીની મદદથી ભારે ટ્રકને કાદવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી, જેના નીચેથી એક મૃતદેહ પણ મળી આવ્યો હતો.
કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે, અત્યાર સુધી કુલ 18 લોકોના મૃત્યુ થયા છે અને ૩ લોકો હજુ ગુમ છે, જે સ્થાનિક લોકો અને ઇજાગ્રસ્તો પાસેથી મળેલા ઇનપુટ્સ મુજબ છે. જ્યાં સુધી તમામ ગુમ થયેલા વ્યક્તિઓના મૃતદેહો મળી ન જાય ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે. હાલના તબક્કે, સંપૂર્ણ ધ્યાન બચાવ કામગીરી પર કેન્દ્રિત છે.






