રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા પ્રચારના આક્રમક શ્રીગણેશ કરવામાં આવ્યા છે. કાલાઘોડા સર્કલ સ્થિત ઐતિહાસિક કીર્તિ મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી (અને નાયબ મુખ્યમંત્રી તરીકે સંબોધિત) હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરાના તમામ ભાજપ ઉમેદવારોએ જનતાની સેવા અને શહેરના વિકાસ માટેના શપથ ગ્રહણ કર્યા હતા.
રાજ્યની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી પત્રક ભરાઈ ગયા બાદ હવે જનસંપર્ક પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વડોદરા સહિત રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં એક જ સમયે ઉમેદવારો દ્વારા જનસેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા ભાજપે પારદર્શિતા અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાનો સંદેશ જનતા સુધી પહોંચાડ્યો છે.
ભાજપનો દાવો: 76 બેઠકો પર કમળ ખીલશે
આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 13ના યુવા ઉમેદવાર અને જાણીતા ગરબા સિંગર નિધિ પટેલે આકર્ષણ જમાવ્યું હતું. તેમણે ભાજપ માટે "મોદી આવે મોદી આવે" ગીત ગાઈને કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો. આગામી દિવસોમાં તેઓ પોતાના સૂરીલા અંદાજમાં ગીતો ગાઈને લોકો પાસે મતોની માંગણી કરશે. ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડોદરાની તમામ 76 બેઠકો પર 'કમળ' ખીલશે.
આ પણ વાંચો: વડોદરા ચૂંટણીમાં મોટો ડ્રામા : ફોર્મ ભરતા જ ઉમેદવારના પતિની ધરપકડ, પરિવારે મચાવ્યો હોબાળો.
વડોદરાનો વોર્ડ નંબર 1 ભાજપ માટે હંમેશા પડકારજનક રહ્યો છે, કારણ કે છેલ્લા બે ટર્મથી અહીં કોંગ્રેસની પેનલ વિજેતા બને છે. આ ગઢને જીતવા માટે હર્ષ સંઘવી સ્વયં વોર્ડ-1 ના ચૂંટણી કાર્યાલય પહોંચ્યા હતા. તેમણે બૂથ પ્રમુખો અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરી ચૂંટણી જીતવા માટેના જરૂરી માર્ગદર્શન અને ટીપ્સ આપી હતી.
આમ, વડોદરામાં ભાજપે ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ કીર્તિ મંદિરથી જનસેવાના સંકલ્પ સાથે ચૂંટણી પ્રચારના મંગળ મંડાણ કરી વિરોધીઓ સામે રણશિંગુ ફૂંક્યું છે.





