આજના આધુનિક યુગમાં વિજાણું ઉપકરણોની દુનિયામાં લોકો પૌરાણિક મુખપાઠ ની પરંપરાઓને વિસરીને કેવળ ઉપકરણોના ગુલામ થઈ ગયા છે. ત્યારે જરૂર છે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે દ્રષ્ટી કરવાની કે જે સમયે ઋષિમુનિઓના આશ્રમમાં બાળકને બાળપણથી જ મુખપાઠ દ્વારા સંસ્કારી કરવામાં આવતા હતા. જેમના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્યનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો. આ ભવ્ય પરંપરાએ જ ભારતને મહાન રાજાઓ, વિદ્વાનો, પંડિતો, વૈજ્ઞાનિકો વગેરેનું પ્રદાન કર્યું છે. આવી આપણી આ સનાતન વૈદિક પરંપરાને BAPS સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પુનઃ જીવંત કરી બતાવી છે.
ગત વર્ષે દિવાળીના પર્વ દરમિયાન તેઓએ સંકલ્પ જાહેર કર્યો કે આવતી દિવાળી સુધીમાં BAPS સંસ્થાની બાળ સંસ્કાર પ્રવૃત્તિ દ્વારા 10000 થી વધુ બાલ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથના તમામ 315 સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે સત્સંગ દીક્ષા એક એવો અભિનવ ગ્રંથ છે જે સનાતન શાસ્ત્રોના સાર રૂપ 315 શ્લોકોમાં મહંત સ્વામી મહારાજે સદાચાર, વ્યસન મુક્તિ, પ્રમાણિકતા, ચારિત્ર નિર્માણ, સેવા, સંપ, સહકાર, સમર્પણ, સંસ્કૃતિ સંવર્ધન, સંસ્કાર સિંચન, સર્વજન સમ આદર તથા સર્વ ધર્મ સમ આદર, રાષ્ટ્રીય ભાવના વગેરે વિવિધ આયામો આ ગ્રંથમાં જનજન સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કર્યો છે.
સ્મરણ રહે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ ગ્રંથ તેઓની 87 વર્ષની જૈફ વયે કેવળ 64 દિવસની અંદર સ્વહસ્તે લખીને તૈયાર કર્યો છે. એવા આ અદભુત 315 સંસ્કૃત શ્લોક ધરાવતા ગ્રંથ ને મુખપાઠ કરવાની હાકલ ને જીલી લઈ સંસ્થાના ન કેવળ 10000 પરંતુ 15666 બાળ વિદ્વાન બાલિકા વિદુષીઓ એ કંઠસ્થ કરી લીધું. ફક્ત ત્રણ વર્ષથી તેર વર્ષની વય ધરાવતા આ બાલ બાલિકાઓમાંના ઘણા બાળકો બાલિકાઓ હજુ તો શાળાનું પગથિયું પણ ચડ્યા નથી પરંતુ ધન્ય છે તેમના માતા-પિતાને કે આ નાના બાળકોને લખતા વાંચતા ન આવડતું હોવા છતાં પણ તેમની પાછળ અત્યંત મહેનત કરી આ 315 શ્લોક કંઠસ્થ કરાવ્યા. આમ આ બાળકો એ મુખપાઠ કરી ભવિષ્યમાં તેઓના અભ્યાસમાં પણ ઉજ્જવલ કારકિર્દી રૂપી ઇમારતનો પાયો મજબૂત કર્યો છે.
આપણા માટે હર્ષ ની વાત છે કે આ 15666 બાળ બાલિકાઓ પૈકી આપણા વડોદરા શહેરના 782 બાળકો અને 749 બાલિકાઓ મળી કુલ 1531 બાલ બાલિકાઓએ પણ આ ગ્રંથ મુખપાઠ કરી શહેર માટે એક ઇતિહાસ સર્જ્યો છે. આજે આ બાલ બાલિકાઓ ના અભિવાદન માટે અટલાદરા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સર્વપ્રથમ આ બાલ બાલિકાઓને મહા વિદ્વાનની માફક પાલખીમાં બેસાડી ભાવિક ભક્તોએ તેમને પોતાના ખભા પર ઊંચકી યજ્ઞ પુરુષ સભાગૃહમાં પરિક્રમા કરાવી હતી. ત્યારબાદ મંદિર પરિસર માં તૈયાર કરાયેલ સુશોભિત 60 જેટલા યજ્ઞ કુંડ પર તબક્કાવાર આ બાળ વિદ્વાનો એ અને બાલિકા વિદુષીઓ એ વિશ્વ શાંતિ માટે સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ કર્યો હતો.
અમદાવાદમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન ગેરવર્તનનો આરોપ: બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ, જાણો શું છે આખો મામલો






