Home Gujarat Vadodara Vadodara Air Taxi Service Diu Bhuj Porbandar Flight Udan Scheme Gujarat

કલાકોની સફર મિનિટોમાં! : હવે માત્ર 60 મિનિટમાં પહોંચાશે દીવ, ભુજ અને પોરબંદર; શરૂ થશે 8-સીટર ‘Air taxi’

Vadodara Air Taxi Service
Published by: Nirali Gohil
Last Updated: Apr 02, 2026, 07:07 AM IST

Vadodara Air Taxi Service, 02 April 2026: વડોદરાના આંગણે આગામી દિવાળીના તહેવારોમાં ખુશીઓનો ડબલ ધડાકો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'ઉડાન' (UDAN) યોજના અંતર્ગત વડોદરા એરપોર્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છના મહત્વના શહેરો માટે 'એર ટેક્સી' સેવા શરૂ કરવાની લીલી ઝંડી મળી ગઈ છે. આગામી ઓક્ટોબર મહિનાથી વડોદરાથી દીવ, ભુજ અને પોરબંદર જવા માટે મુસાફરોને કલાકોના રોડ પ્રવાસમાંથી મુક્તિ મળશે અને આ સફર માત્ર એક કલાકની અંદર પૂર્ણ કરી શકાશે.

કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી વિમાની ઓપરેટરને આ રૂટ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ સેવા શરૂ થવાથી માત્ર પર્યટન જ નહીં, પરંતુ વડોદરાના ઉદ્યોગ જગતને પણ મોટો વેગ મળશે. 8-સીટર નાના વિમાનો દ્વારા શરૂ થનારી આ એર ટેક્સી સેવા સામાન્ય નાગરિકોના ખિસ્સાને પરવડે તેવા ભાડા સાથે શરૂ કરવામાં આવશે, જેના કારણે વડોદરાથી સૌરાષ્ટ્ર-કચ્છ હવે વેંત છેટા રહી જશે.

કલાકોની મુસાફરી હવે મિનિટોમાં: જાણો નવું શિડ્યુલ

વડોદરાથી સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રવાસના સમયમાં આ એર ટેક્સી સેવાને કારણે ક્રાંતિકારી ફેરફાર આવવાનો છે. અત્યાર સુધી વડોદરાથી ભુજ જવા માટે રોડ માર્ગે અંદાજે 8 થી 10 કલાકની લાંબી અને થકવી નાખનારી મુસાફરી કરવી પડતી હતી, જે હવે એર ટેક્સીના માધ્યમથી માત્ર 50 થી 60 મિનિટમાં જ પૂર્ણ કરી શકાશે. આ ફેરફારને કારણે કચ્છના રણોત્સવ કે બિઝનેસ મીટિંગ માટે જનારા લોકોનો આખો દિવસ બચી જશે. એ જ રીતે, વડોદરાથી દીવ અને પોરબંદર પહોંચવું પણ હવે પલકવારમાં શક્ય બનશે. દીવ જવા માટે અત્યારે મુસાફરોએ 8 થી 9 કલાકનો કંટાળાજનક રસ્તો કાપવો પડે છે, પરંતુ નવી હવાઈ સેવા શરૂ થતા મુસાફરો માત્ર 45 થી 60 મિનિટમાં જ દીવના મનમોહક દરિયાકિનારે પહોંચી શકશે. તેવી જ રીતે પોરબંદર માટે પણ 9 કલાકની સફર હવે ઘટીને માત્ર 55 થી 60 મિનિટની થઈ જશે. આમ, આ એર ટેક્સી સેવા શરૂ થવાથી જે અંતર કાપવામાં અત્યારે આખો દિવસ નીકળી જાય છે, તે હવે મિનિટોની સફરમાં ફેરવાઈ જશે, જે મુસાફરો માટે સમય અને શક્તિ બંનેની મોટી બચત સાબિત થશે.

ઉદ્યોગ અને પર્યટન માટે 'ગેમ ચેન્જર' સાબિત થશે

વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર એમ.એસ.આઇ. દાઉદના જણાવ્યા અનુસાર, આ સેવા વડોદરાના કેમિકલ અને એન્જિનિયરિંગ સેક્ટરના ઉદ્યોગપતિઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કચ્છના બંદરો અને મુંદ્રા પોર્ટ સુધી પહોંચવું હવે અત્યંત સરળ બનશે. આ ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ હવે સીધા જ દીવના દરિયાકિનારે કે કચ્છના રણોત્સવનો આનંદ માણવા જઈ શકશે. દીવથી સી-ફૂડ એક્સપોર્ટ કરતા વેપારીઓ માટે પણ આ 'ફાસ્ટ ટ્રેક' કનેક્ટિવિટી સાબિત થશે.

માત્ર ₹10માં ચા અને ₹20માં નાસ્તો: 'ઉડાન કાફે'નું આકર્ષણ

હવાઈ મુસાફરીને સામાન્ય માણસ સુધી પહોંચાડવા માટે એરપોર્ટ પર ખાસ 'ઉડાન કાફે' શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કાફેમાં મુસાફરોને એરપોર્ટના મોંઘા ભાવથી મુક્તિ મળશે અને માત્ર રૂ. 10 માં ચા તથા રૂ. 20 માં સમોસા જેવો નાસ્તો મળી રહેશે. સરકાર દ્વારા ઓપરેટરોને સબસિડી (Viability Gap Funding) અપાતી હોવાથી ફ્લાઈટની ટિકિટના દરો પણ મધ્યમ વર્ગને પરવડે તેવા આકર્ષક રાખવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરા ભાજપમાં ટિકિટ માટે જંગ : આ ધારાસભ્યના ભાઈની દાવેદારીથી ગરમાયું રાજકારણ

દેશમાં વડોદરા એરપોર્ટનો દબદબો: બીજા ક્રમે વિજેતા

વડોદરાવાસીઓ માટે ગૌરવની વાત એ છે કે, સુવિધાઓ અને કાર્યક્ષમતાની દ્રષ્ટિએ વડોદરા એરપોર્ટને દેશના (કેટેગરી-2) એરપોર્ટ્સમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં એરપોર્ટ ડાયરેક્ટરને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો હતો. એરપોર્ટ ઓથોરિટીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા હેલ્થ કેમ્પ જેવા આયોજનો વડોદરા એરપોર્ટની સેવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now