Home Gujarat Vadodara Vadodara Aap Gujarat Election 2026 Resignation Arvind Kejriwal

વડોદરા AAPમાં મોટું ભંગાણ : ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતા જ શહેર પ્રમુખ સહિત અનેક કાર્યકરોએ આપ્યા રાજીનામા

વડોદરા AAPમાં મોટું ભંગાણ
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Mar 24, 2026, 01:21 PM IST

ગુજરાતમાં આગામી મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ માટે રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે વડોદરામાં ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે 24 માર્ચે પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવતાની સાથે જ વડોદરા AAP માં સંગઠન વિખેરાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ટિકિટ ફાળવણીમાં અવગણનાનો આક્ષેપ કરી શહેર પ્રમુખ અશોક ઓઝા સહિત અનેક પાયાના કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે.

કાર્યાલયની બહાર ખેસ લટકાવી વિરોધ

યાદી જાહેર થતાં જ નારાજ કાર્યકરોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. અનેક કાર્યકરોએ પક્ષના કાર્યાલયની બહાર જ પોતાના ખેસ લટકાવી દીધા હતા અને પક્ષ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી હતી. કાર્યકરોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "આ યાદી સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ દિલ્હીથી થોપી દેવામાં આવી છે. પાર્ટી હવે ભાજપની ‘બી-ટીમ’ તરીકે કામ કરી રહી છે."

વર્ષોથી મહેનત કરનારાઓની અવગણનાનો આક્ષેપ

વોર્ડ નં. 13 ના પ્રભારી રાજેશ માળીએ રોષ ઠાલવતા કહ્યું કે, જે લોકો માંડ એક-બે મહિનાથી જોડાયા છે તેમને ટિકિટ અપાઈ છે, જ્યારે વર્ષોથી લોહી-પાણી એક કરનારા પાયાના કાર્યકરોની અવગણના થઈ છે. આવી જ રીતે વોર્ડ નં. 12 ના ભાવિકાબેને જણાવ્યું હતું કે, પક્ષે સક્ષમ ઉમેદવારોને બાજુ પર મૂકી 'માયકાંગલા' ઓની પસંદગી કરી છે, હવે તેઓ પક્ષના બદલે સામાજિક કાર્યકર તરીકે સેવા આપશે.

પૈસાનો ખેલ અને કાયદાકીય સહાયનો અભાવ

પાર્ટીના મહામંત્રી જ્હાનવી ગોહિલે અત્યંત ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, "બધો પૈસાનો ખેલ છે. પાર્ટીના આંદોલનોમાં અમારા પર કેસ થયા, અમારા ફોન પોલીસ સ્ટેશનમાં જમા છે, છતાં પાર્ટીની લીગલ ટીમ અમને કોઈ સહકાર આપતી નથી." તેમણે શહેર પ્રમુખ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ, શહેર પ્રમુખ અશોક ઓઝાએ પણ પોતાની ભલામણ કરેલા ઉમેદવારોની બાદબાકી થતાં રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ છે.

ચૂંટણી પહેલા જ વડોદરા AAP માં લાગેલી આ રાજીનામાની ઝડીએ પક્ષની મુશ્કેલીઓ વધારી દીધી છે. હવે જોવું એ રહ્યું કે હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહે છે કે કેમ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now