Health Tips: શરીરને હાઇડ્રેટ રાખવા માટે આપણે દિવસભર પુષ્કળ પાણી પીએ છીએ અને તે માટે હંમેશા આપણી પાસે એક પાણીની બોટલ હોય છે. પછી ભલે તે ઓફિસ હોય, જીમ હોય કે મુસાફરી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે બોટલ તમને જીવન આપનારું પાણી પૂરું પાડે છે, તે જ બોટલ ક્યારેક ઝેર સમાન બની શકે છે? ઘણા લોકો એક જ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ મહિનાઓ કે વર્ષો સુધી કરે છે. વિજ્ઞાન અને આયુર્વેદ બંને ચેતવણી આપે છે કે જો પાણી સંગ્રહિત કરવાનું સાધન સ્વચ્છ અને યોગ્ય ન હોય, તો શુદ્ધ પાણી પણ દૂષિત બની જાય છે. લાંબા સમય સુધી એક જ બોટલનો ઉપયોગ તમારા પેટ અને એકંદર સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
પ્લાસ્ટિકની બોટલ અને બેક્ટેરિયાનું સામ્રાજ્ય
આપણે ઘણીવાર બોટલને ઉપરથી સાફ કરીએ છીએ, પરંતુ તેની અંદરના ભાગમાં સુક્ષ્મ જીવાણુઓ જમા થતા રહે છે. જો બોટલને લાંબા સમય સુધી વાપરવામાં આવે અને તેને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે, તો તેમાં બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ ઝડપથી ઉગી નીકળે છે. આ જંતુઓ એટલા નાના હોય છે કે નરી આંખે દેખાતા નથી, પરંતુ તે પાણીને દૂષિત કરે છે.
પેટની સમસ્યાઓનું મુખ્ય કારણ
જૂની અથવા અસ્વચ્છ બોટલમાં જંતુઓ ઝડપથી વધે છે. જ્યારે તમે આવી બોટલમાંથી પાણી પીવો છો, ત્યારે તે સીધું તમારા પાચનતંત્ર પર હુમલો કરે છે. તેનાથી પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા, અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને પ્લાસ્ટિકમાં રહેલા કેમિકલ્સ લાંબા સમયે પાણીમાં ભળવા લાગે છે, જે શરીરમાં ઝેરી તત્વો એકઠા કરે છે.
આયુર્વેદ શું કહે છે?
આયુર્વેદ અનુસાર, પાણી માત્ર તરસ છીપાવવા માટે નથી, પરંતુ તે શરીરના દોષોને સંતુલિત કરવા માટે છે. જો પાણી અશુદ્ધ હોય અથવા અયોગ્ય પાત્રમાં રાખવામાં આવ્યું હોય, તો તે શરીરમાં વાત, પિત્ત અને કફનું અસંતુલન પેદા કરે છે. અશુદ્ધ પાણી પાચનતંત્રને નબળું પાડે છે અને રોગપ્રતિકારક શક્તિ (Immunity) ઘટાડે છે, જેનાથી તમે વારંવાર બીમાર પડી શકો છો.
બોટલ ક્યારે બદલવી જોઈએ?
નિષ્ણાતોના મતે, પ્લાસ્ટિકની બોટલો વાપરવા માટે અમુક ચોક્કસ મર્યાદા હોય છે:
સમય મર્યાદા: પ્લાસ્ટિકની બોટલને દર 6 થી 12 મહિને બદલી નાખવી જોઈએ.
ચેતવણીના સંકેતો: જો બોટલમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવવા લાગે, અંદર ડાઘ પડી ગયા હોય કે બોટલનો રંગ બદલાયેલો લાગે, તો તેને તાત્કાલિક કચરાપેટીમાં પધરાવી દેવી જોઈએ.
સફાઈની સાચી રીત
માત્ર પાણી બદલવું પૂરતું નથી, બોટલની સફાઈ પણ જરૂરી છે:
દરરોજ બોટલને સાબુ અને ગરમ પાણીથી સાફ કરો.
ઓછામાં ઓછા દર બે-ત્રણ દિવસે એકવાર બોટલને ઊંડાણપૂર્વક સાફ કરવી જોઈએ.
બે-ત્રણ દિવસ સુધી એક જ બોટલમાં ભરી રાખેલું પાણી ન પીવું, હંમેશા તાજું પાણી ભરવું.
પ્લાસ્ટિકનો શ્રેષ્ઠ વિકલ્પ: કાચ અને સ્ટીલ
જો તમે વારંવાર બોટલ બદલવાની ઝંઝટમાંથી બચવા માંગતા હોવ, તો સ્ટેનલેસ સ્ટીલ, તાંબુ અથવા કાચની બોટલ શ્રેષ્ઠ વિકલ્પ છે.
સ્ટીલ અને કાચ: આમાં બેક્ટેરિયા રહેવાની શક્યતા ખૂબ ઓછી હોય છે અને પાણી લાંબા સમય સુધી તાજું રહે છે.
તાંબુ: તાંબાની બોટલમાં પાણી રાખવાથી તે કુદરતી રીતે શુદ્ધ થાય છે, જોકે તેની સફાઈ પણ નિયમિત કરવી જોઈએ.




















