US Midterm Elections 2026: અમેરિકામાં આગામી સમયમાં યોજાનારી મિડ-ટર્મ (મધ્યસત્ર) ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે. જોકે, તાજેતરના ઓપિનિયન પોલ્સના પરિણામો વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુશ્કેલીના સંકેત આપી રહ્યા છે. રોઇટર્સ-ઇપ્સોસ અને AP-NORC સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓના સર્વે મુજબ, ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ (લોકપ્રિયતા) ઘટીને 33% થી 36% ની વચ્ચે પહોંચી ગયું છે. ઈરાન સાથેના વધતા સંઘર્ષ અને દેશના ડામાડોળ અર્થતંત્રને કારણે અમેરિકી જનતામાં ટ્રમ્પ પ્રત્યેનો અસંતોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.
સર્વેના આંકડા દર્શાવે છે કે, દર 10 માંથી 7 અમેરિકનો એવું માની રહ્યા છે કે દેશ હાલમાં ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે. ખાસ કરીને મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચમાં થયેલા તોતિંગ વધારાએ મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે, જેના કારણે ટ્રમ્પના અર્થતંત્રના નિર્ણયો પર માત્ર ૩૦% લોકોએ જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિદેશ નીતિ અને ઈમિગ્રેશન જેવા મુખ્ય મુદ્દાઓ પર પણ જનતાનો મૂડ બદલાયેલો દેખાય છે, જે આગામી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી માટે મોટા ઉલટફેરના એંધાણ આપી રહ્યો છે.
અર્થતંત્ર અને મોંઘવારી: ટ્રમ્પ સરકાર સામે સૌથી મોટો પડકાર
અમેરિકાના મતદારો માટે આ વખતે અર્થતંત્ર સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે. AP-NORC ના સર્વે મુજબ, 76% લોકો વર્તમાન જીવનનિર્વાહના ખર્ચ (Cost of Living) થી અત્યંત અસંતુષ્ટ છે. માર્ચ મહિનામાં ટ્રમ્પના આર્થિક નિર્ણયોને ૩૮% સમર્થન મળતું હતું, જે એપ્રિલમાં ઘટીને સીધું ૩૦% પર આવી ગયું છે. ગેસના ભાવ અને ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીને કારણે ઇન્ડિપેન્ડન્ટ મતદારો હવે ટ્રમ્પથી છેડો ફાડી રહ્યા હોય તેમ જણાય છે.
ઈરાન સાથેનો સંઘર્ષ: વિદેશ નીતિ પર જનતાની નારાજગી
વિદેશ નીતિના મોરચે ટ્રમ્પના આક્રમક વલણને અમેરિકી નાગરિકો નકારી રહ્યા છે. ઈરાન સાથેના તાજેતરના સૈન્ય સંઘર્ષ અને તણાવને પગલે ૬૭% અમેરિકનોએ ટ્રમ્પની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સર્વેમાં 61% લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હવે અમેરિકાએ ઈરાન મામલે કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરવી જોઈએ નહીં. યુદ્ધની આશંકા અને વૈશ્વિક અસ્થિરતાને કારણે સામાન્ય નાગરિકો હવે શાંતિના પક્ષમાં દેખાઈ રહ્યા છે.
કડક ઈમિગ્રેશન નીતિ: શું રિપબ્લિકન ઉમેદવારોને નડશે?
ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ 'ડિપોર્ટેશન પોલિસી' (ઘૂસણખોરોને હાંકી કાઢવાની નીતિ) હવે તેમની જ પાર્ટી માટે ગળાનું હાડકું બની શકે છે. ૫૨% અમેરિકનોએ આડકતરી રીતે ચેતવણી આપી છે કે, તેઓ એવા ઉમેદવારને મત નહીં આપે જે ટ્રમ્પની કડક ડિપોર્ટેશન નીતિનું સમર્થન કરતા હોય. મિનેપોલિસમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને ત્યારબાદ વહીવટીતંત્રની ઢીલી કામગીરીને કારણે માનવાધિકાર જૂથો અને સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
ટ્રમ્પ માટે આશાનું કિરણ: રિપબ્લિકન બેઝ હજુ પણ મક્કમ
આટલા નકારાત્મક પોલ્સ વચ્ચે પણ ટ્રમ્પના સમર્થકોનો મુખ્ય બેઝ અકબંધ છે. રિપબ્લિકન પાર્ટીના ૮૩% સમર્થકો હજુ પણ ટ્રમ્પની કામગીરીને યોગ્ય માની રહ્યા છે. આ ઉપરાંત, વોટર આઈડી અને નાગરિકતાના પુરાવા ફરજિયાત કરવાના મુદ્દે ૭૫% અમેરિકનો ટ્રમ્પના સમર્થનમાં છે. ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો, અર્થતંત્ર (૨૯%) અને લોકશાહી સામેના જોખમો (૨૪%) સૌથી મહત્વના પરિબળો સાબિત થશે.





