US Iran Peace Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાનને અંતિમ ચેતવણી આપતા કહ્યું છે કે, જો ઈસ્લામાબાદમાં થનારી શાંતિ વાર્તા નિષ્ફળ જશે, તો અમેરિકા ફરીથી મોટા પાયે હુમલા શરૂ કરી દેશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેમણે અમેરિકી યુદ્ધ જહાજોને અત્યાધુનિક દારૂગોળો અને હથિયારોથી સજ્જ થવાના નિર્દેશ આપી દીધા છે. ટ્રમ્પે અત્યંત આક્રમક લહેજામાં કહ્યું, “અમે અમારા જહાજોને અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ હથિયારોથી લોડ કરી રહ્યા છીએ. જો શનિવારની વાર્તામાં કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો અમે તેનો ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરીશું.” ટ્રમ્પે વધુમાં કહ્યું કે ઈરાન પહેલેથી જ ઘણું નબળું પડી ગયું છે અને વાતચીત જ તેના બચવાનો એકમાત્ર રસ્તો છે.
'શૂટિંગ સ્ટાર્ટ'ની ચેતવણી
ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતા લખ્યું કે અમેરિકી સેના 'રીસેટ' મોડમાં છે. તેમણે ચેતવણી આપી કે જો ઈરાન સમજૂતીની શરતો, ખાસ કરીને ‘નો ન્યુક્લિયર’ (પરમાણુ મુક્ત) અને ‘હોર્મુઝની સામુદ્રધુની’ને ખુલ્લી રાખવાનું પાલન નહીં કરે, તો એવી “શૂટિંગ” શરૂ થશે જે દુનિયાએ પહેલા ક્યારેય જોઈ નથી.
આ પણ વાંચો: મહાયુદ્ધનો આવશે અંત? : અમેરિકા-ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં ઐતિહાસિક મંત્રણા, બેઠક પહેલા ઈરાને મૂકી આ મોટી શરત
ઈરાનની એ 2 શરતો, જેનાથી તણાવ વધ્યો
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલીબાફે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે વાતચીત શરૂ કરવા માટે અમેરિકાએ બે મોરચે તાત્કાલિક પગલાં ભરવા પડશે: લેબનોન પર થઈ રહેલા હુમલાઓ તરત જ રોકવા જોઈએ. આ સાથે જ, અમેરિકા દ્વારા બ્લોક કરવામાં આવેલી ઈરાનની અબજો ડોલરની સંપત્તિ તરત જ રિલીઝ કરવામાં આવે. ઈરાની સેનાના પ્રવક્તા ઈબ્રાહિમ ઝોલફાકરીએ તો ત્યાં સુધી ચેતવણી આપી દીધી છે કે જો લેબનોન પર હુમલા નહીં અટકે તો ઈરાન કોઈ પણ વાતચીતનો ભાગ બનશે નહીં.
ટ્રમ્પની ‘નો ન્યુક્લિયર’ નીતિ અને વેન્સની ચેતવણી
એક તરફ ઈરાન શરતો મૂકી રહ્યું છે, તો બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે સમજૂતી ત્યારે જ થશે જ્યારે ઈરાન ‘નો ન્યુક્લિયર વેપન્સ’ (પરમાણુ હથિયારોનો અભાવ) અને ‘હોર્મુઝની સામુદ્રધુની’ને સુરક્ષિત રાખવાની ગેરંટી આપશે. ઈસ્લામાબાદ પહોંચેલા જે.ડી. વેન્સે પણ તેહરાનને ચેતવણી આપી છે કે તે અમેરિકા સાથે “રમત” રમવાનો પ્રયાસ ન કરે. વેન્સે કહ્યું, “અમે ખુલ્લા દિલથી આવ્યા છીએ, પરંતુ જો ઈરાને અમને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો, તો તેણે પરિણામ ભોગવવા પડશે.”





