Home International Times Square New York International Yoga Day Celebration

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં લોકોએ કર્યા યોગાસન : હજારો લોકોએ અનુભવી પરમ શાંતિ

People did yoga poses in New York's Times Square
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 24, 2026, 04:24 AM IST

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં હજારો લોકોએ કર્યા યોગાસન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2026)ના વિશેષ અવસરે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દુનિયાના સૌથી વ્યસ્ત અને ધમધમતા વિસ્તારોમાં ગણાતા ટાઈમ્સ સ્ક્વેર ખાતે 10,000થી વધુ લોકો યોગ કરવા માટે એકઠા થયા હતા. અલગ-અલગ દેશો, સંસ્કૃતિ અને સમુદાયના લોકોએ અહીં સાથે મળીને યોગાસન કર્યા હતા.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ (Yoga for Healthy Ageing - સ્વસ્થ ઉંમર વધારવા માટે યોગ) રાખવામાં આવી હતી.

પીએમ મોદીના યોગ ગુરુ ડૉ. એચ.આર. નાગેન્દ્ર રહ્યા મુખ્ય આકર્ષણ

આ વર્ષના સમારોહમાં મુખ્ય આકર્ષણ તરીકે જાણીતા યોગ ગુરુ ડૉ. એચ.આર. નાગેન્દ્ર હાજર રહ્યા હતા. બેંગલુરુની એસ-વ્યાસા (S-VYASA) યુનિવર્સિટીના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. નાગેન્દ્ર ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્સનલ યોગ ગુરુ તરીકે પણ જાણીતા છે. તેમણે કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે, યોગ એ માત્ર એક પ્રાચીન પરંપરા નથી પરંતુ આધુનિક જીવનને સ્વસ્થ બનાવવાનું વિજ્ઞાન છે. વધતી ઉંમર સાથે શરીરમાં થતા ફેરફારો વચ્ચે વિશેષ પ્રાણાયામ અને યોગની મદદથી લાંબા સમય સુધી તંદુરસ્ત રહી શકાય છે.

કાર્યક્રમ બાદ ન્યૂયોર્ક સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Consulate)માં ડૉ. નાગેન્દ્રના નેતૃત્વ હેઠળ એક વિશેષ ધ્યાન સત્ર (Meditation Session)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

3 લોકોથી શરૂ થયેલી સફર 10,000 સુધી પહોંચી

ટાઈમ્સ સ્ક્વેર ખાતે યોગ કાર્યક્રમનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે. વર્ષ 2003 માં 21 જૂનના રોજ આ જગ્યાએ માત્ર 3 લોકો સાથે યોગ કરવાની શરૂઆત થઈ હતી. આજે આ આયોજન વિશ્વના સૌથી મોટા જાહેર યોગ કાર્યક્રમોમાં સ્થાન પામ્યું છે. આ વર્ષે આખો દિવસ અહીં અલગ-અલગ 7 મફત યોગ સત્રો યોજાયા હતા. જેમાં વહેલી સવારથી જ લોકો પોતપોતાની મેટ લઈને પહોંચી ગયા હતા.

સહભાગીઓએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે, ટાઈમ્સ સ્ક્વેર જેવી ભારે ઘોંઘાટ અને ભીડભાડવાળી જગ્યાની વચ્ચે યોગ કરવાથી એક અનોખી માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અહેસાસ થાય છે.

આ પણ વાંચો: અમેરિકાએ ઈરાનના ઓઈલ વેચાણ પરથી પ્રતિબંધો હટાવ્યા | ભારત પણ આગામી 60 દિવસ ખરીદી શકશે ક્રૂડ | Offbeat Stories

અમેરિકામાં વધી રહી છે યોગની લોકપ્રિયતા

ન્યૂયોર્કમાં ભારતના કોન્સુલ જનરલ બિનય પ્રધાને જણાવ્યું હતું કે અમેરિકાના સામાન્ય નાગરિકો અને ભારતીય-અમેરિકન સમુદાયમાં યોગની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ કાર્યક્રમ ઇન્ડિયન કોન્સ્યુલેટ અને ઉત્તર અમેરિકા રાજસ્થાન એસોસિએશન (RANA)ના સહયોગથી યોજાયો હતો.

આ ભવ્ય આયોજનમાં સંયુક્ત આરબ અમીરાત (UAE), સર્બિયા, નેપાળ, રોમાનિયા અને મલેશિયા સહિત અનેક દેશોના રાજદ્વારીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સામેલ થયા હતા.

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા વર્ષ 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. આજે વિશ્વના 190થી વધુ દેશોમાં આ દિવસની મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now