iran us second peace talks: ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. આ યુદ્ધની અસર તે દેશો પર પણ પડી રહી છે જે આ સંઘર્ષમાં સામેલ નથી. સ્થિતિ એટલી ગંભીર છે કે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) એ પણ મોટી ચેતવણી આપી છે.
શાંતિ વાર્તા માટે પાકિસ્તાનનો પ્રયાસ
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે વિશ્વભરમાં તેલ અને ગેસની તંગી સર્જાઈ છે. પાકિસ્તાને મધ્યસ્થી બનવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈસ્લામાબાદમાં યોજાયેલી પ્રથમ તબક્કાની વાતચીત કોઈ નક્કર પરિણામ વિના સમાપ્ત થઈ હતી. જોકે, બંને પક્ષોએ સંકેત આપ્યા હતા કે વાતચીત સંપૂર્ણપણે નિષ્ફળ રહી નથી. વડાપ્રધાન શાહબાઝ શરીફ આ તણાવને ઘટાડવા માટે સક્રિય છે. તેઓ હાલમાં સાઉદી અરેબિયા, કતાર અને તુર્કીના પ્રવાસે છે અને તેમણે કતારના અમીર સાથે મુલાકાત કરીને શાંતિ સ્થાપવા પર ભાર મૂક્યો છે. બીજી તરફ, પાકિસ્તાની સૈન્ય પ્રમુખ ફિલ્ડ માર્શલ સૈયદ આસિમ મુનીર પણ ઈરાનના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે, જેથી બીજા રાઉન્ડની વાર્તાનો માર્ગ મોકળો થઈ શકે.
આ પણ વાંચો: વિશ્વ મંચ પર PM Modi નો દબદબો! : 70% અપ્રુવલ સાથે ફરી બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા
શું ઈસ્લામાબાદમાં ફરી વાર્તા થશે?
અમેરિકા અને પાકિસ્તાન બંનેના સંકેતો મુજબ, વાર્તાનો બીજો દોર ઈસ્લામાબાદમાં યોજાઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પોતાનું સમૃદ્ધ યુરેનિયમ અમેરિકાને સોંપવા તૈયાર છે અને જો વાર્તા થાય, તો તેઓ પોતે ઈસ્લામાબાદ જઈ શકે છે.
ઈરાનનું વલણ અને 'રેડ લાઈન'
જોકે, ઈરાનના ઉપ-વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેહે આ દાવાઓને નકારી કાઢતા કહ્યું છે કે ઈરાન કોઈપણ કામચલાઉ યુદ્ધવિરામને સ્વીકારશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે લેબનાનથી લઈને લાલ સમુદ્ર સુધીના તમામ સંઘર્ષ ક્ષેત્રોનો ઉકેલ આવવો જોઈએ. ઈરાની સરકારી મીડિયાએ પણ ટ્રમ્પના નિવેદનો પર કટાક્ષ કરતા તેને 'હવામાં મહેલ બાંધવા' સમાન ગણાવ્યું છે.
આ પણ વાંચો: ઈરાન-અમેરિકા તણાવમાં નવો વળાંક : શું હવે યુદ્ધનો અંત નજીક? જાણો આ 5 મોટા સંકેતો
શું ડીલ થવાની શક્યતા છે?
૭ એપ્રિલે બંને દેશો વચ્ચે બે સપ્તાહનો યુદ્ધવિરામ થયો હતો, જે 21 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. ત્યાં સુધીમાં કાં તો કોઈ મોટી સમજૂતી થવી જોઈએ અથવા તો યુદ્ધવિરામ લંબાવવો પડે તેમ છે. હાલમાં બંને દેશો વચ્ચે અવિશ્વાસ ઘણો વધારે છે. ઈરાન પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામને લઈને કેટલું નમતું જોખશે અને અમેરિકા કેટલી શરતો રાખશે, તે સૌથી મોટો પ્રશ્ન છે. ખુદ ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે આ સંઘર્ષનો ઉકેલ લાવવો મુશ્કેલ હોઈ શકે છે.
IEA ની ગંભીર ચેતવણી
આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) ના વડા ફાતિહ બિરોલે વિશ્વને ચેતવણી આપી છે કે હોર્મુઝની સામુદ્રધુની લાંબા સમય સુધી બંધ રહેવાના પરિણામો ખૂબ જ વિનાશક હોઈ શકે છે. તેલ અને ગેસના પુરવઠામાં ઘટાડાને કારણે વિશ્વમાં ભાવ આસમાને પહોંચી શકે છે. ભારત, ચીન, પાકિસ્તાન જેવા દેશો કે જેઓ મોટાભાગનું તેલ આયાત કરે છે, તેમને મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. યુરોપ પાસે માત્ર છ અઠવાડિયાનું જેટ ફ્યુઅલ બાકી હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો: AI પર ટ્રમ્પનું મોટું નિવેદન : કંટ્રોલ નહીં રાખીએ તો ઊભો થઈ શકે છે સંકટ, કેમ આવુ કહેવુ પડ્યું ટ્રમ્પે?
જો પુરવઠો શરૂ નહીં થાય, તો આગામી સમયમાં હવાઈ સેવાઓ અને ઔદ્યોગિક પુરવઠામાં મોટો વિક્ષેપ પડી શકે છે. 21 એપ્રિલ સુધીમાં કોઈ રાજદ્વારી ઉકેલ નહીં આવે, તો વિશ્વમાં ઉર્જાનું સંકટ વધુ ઘેરું બની શકે છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.





