PM Narendra Modi : વિશ્વ સ્તરે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રભાવ સતત વધી રહ્યો છે. હાલમાં અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં PM મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ થયા છે. આ સર્વેમાં દુનિયાના 24 લોકશાહી દેશોના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં મોદીએ તમામ મોટા દેશોના નેતાઓને પાછળ છોડી દીધા છે.
PM મોદી સૌથી ટોચ પર
સર્વેના ડેટા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 70% અપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ સ્થાને રહ્યા છે. આ લિસ્ટમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યોંગ 63% સાથે બીજા ક્રમે અને ચેક રિપબ્લિકના આન્દ્રેજ બાબીસ 55% સાથે ત્રીજા સ્થાને છે. આ રેટિંગ સાત દિવસના સરેરાશ વ્યૂઝ અને લોકોના સંતોષના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
અપ્રિય નેતાઓની લિસ્ટ
એક તરફ જ્યાં PM મોદીની લોકપ્રિયતા વધી રહી છે, બીજી તરફ કેટલાક શક્તિશાળી દેશોના નેતાઓ પ્રત્યે જનતામાં નારાજગી જોવા મળી છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ વિશ્વના સૌથી અપ્રિય નેતા સાબિત થયા છે, જ્યાં 78% લોકો તેમનાથી અસંતુષ્ટ છે. તેવી જ રીતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનથી પણ 75% જનતા નારાજ છે.
જર્મનીમાં વધતો રોષ
જર્મનીમાં હાલની સરકાર પ્રત્યે લોકોમાં ભારે અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. અલગ-અલગ સર્વેક્ષણો મુજબ, 84% જર્મન નાગરિકો માને છે કે મેર્ઝ સરકાર દેશની આર્થિક સ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહી છે. પરિસ્થિતિ એવી છે કે, જો આજે ચૂંટણી થાય તો વર્તમાન શાસક ગઠબંધનને બહુમતી મળવી મુશ્કેલ છે.
ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ આ સર્વેના પરિણામો ચિંતાજનક છે. ઈરાન સાથેના તણાવ બાદ તેમની લોકપ્રિયતામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં તેઓ લોકપ્રિયતાની લિસ્ટમાં નીચેથી 10 મા ક્રમે છે અને માત્ર 38% અમેરિકનો જ તેમના નિર્ણયોને સમર્થન આપી રહ્યા છે.





