Iran-US War : અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ હવે શાંત થઈ શકે છે. સમગ્ર વિશ્વ જે યુદ્ધના કારણે ચિંતામાં હતું, તેના અંતની આશા હવે જાગી છે. હાલમાં બંને દેશો વચ્ચે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ (Ceasefire) ચાલુ છે, પરંતુ હાલના ડેવલપમેન્ટ્સ સૂચવે છે કે, આ શાંતિ કાયમી બની શકે છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના વેપાર પર મોટી અસર કરી હતી, પણ હવે સમાધાનના 5 મજબૂત સંકેતો મળી રહ્યા છે.
ટ્રમ્પનો વિશ્વાસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ભરોસો વ્યક્ત કર્યો છે કે, ઈરાન યુદ્ધ ખતમ કરવા માટે તૈયાર છે અને જલદી સમાધાન થઈ શકે છે. ટ્રમ્પના મતે આગામી વીકેન્ડમાં બંને દેશો વચ્ચે બેઠક થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે ઈરાન સાથે મોટી ડીલ કરવાની ખૂબ નજીક છીએ અને જો જરૂર પડશે તો તેઓ પોતે પાકિસ્તાન જઈને આ સમજૂતી પર હસ્તાક્ષર કરી શકે છે.
પરમાણુ મુદ્દે સહમતિ
યુદ્ધનું સૌથી મોટું કારણ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ હતો. જોકે, ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન પોતાનો ‘ન્યૂક્લિયર ડસ્ટ’ એટલે કે સમૃદ્ધ યુરેનિયમ અમેરિકાને પાછું આપવા સંમત થયું છે. અમેરિકાની પ્રથમ પ્રાથમિકતા એ છે કે, ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોય. આ મુદ્દે ઈરાનનું નરમ વલણ એક ઐતિહાસિક વળાંક સાબિત થઈ શકે છે.
પાકિસ્તાનનું મહત્વનું યોગદાન
આ શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાન એક મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. ટ્રમ્પે પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને સેના પ્રમુખના વખાણ કરતા કહ્યું કે, તેમણે ઈરાન સાથે વાતચીત કરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. અમેરિકાની એક ઉચ્ચ સ્તરીય ટીમ પહેલા જ ઈસ્લામાબાદમાં ઈરાની અધિકારીઓ સાથે મુલાકાત કરી ચૂકી છે અને હવે બીજી નિર્ણાયક બેઠકની તૈયારીઓ ચાલી રહી છે.
ગુપ્ત વાતચીતમાં મોટી પ્રગતિ
રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે બેક-ચેનલ એટલે કે, ગુપ્ત રીતે ચાલી રહેલી વાતચીતમાં ઘણો સુધારો થયો છે. એવું માનવામાં આવે છે કે, બંને દેશો પહેલા એક સમજૂતી પત્ર (MoU) પર સહી કરશે અને ત્યારબાદ 60 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે. પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પણ આ મામલે તહેરાનમાં સતત સંપર્ક જાળવી રહ્યા છે.
આ પણ ખાસ વાંચો : "હા, હું પાકિસ્તાન જઈશ..." : ઈરાન-અમેરિકાની ડીલ વચ્ચે ટ્રમ્પે કેમ કરી પાકિસ્તાન જવાની વાત?
પ્રાદેશિક શાંતિની અસર
બીજી તરફ, ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે પણ 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી મિડલ ઈસ્ટમાં હિંસા ઓછી થવાની આશા વધી છે. ટ્રમ્પના નેતૃત્વમાં થઈ રહેલા આ પ્રયાસો સૂચવે છે કે, સમગ્ર ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે, જેની સીધી અસર ઈરાન-અમેરિકા સંબંધો પર પણ જોવા મળી રહી છે.






