US-Iran War : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આક્રમક વલણ માટે જાણીતા છે. પોતાના પહેલા કાર્યકાળમાં પાકિસ્તાનને આકરા શબ્દોમાં સંભળાવનારા ટ્રમ્પ હવે બીજા કાર્યકાળમાં પાકિસ્તાન પર પ્રેમ વરસાવી રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે હવે પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે, જેના કારણે ટ્રમ્પના સૂર બદલાયા છે.
પાકિસ્તાન પ્રવાસના સંકેત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં સંકેત આપ્યો છે કે, તેઓ પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના લોકો અને ત્યાંના અધિકારીઓ ઈચ્છે છે કે હું ત્યાં આવું. જો ઈરાન સાથેનો શાંતિ કરાર પાકિસ્તાનમાં ફાઇનલ થાય છે, તો તેઓ ચોક્કસપણે ઈસ્લામાબાદ જવાનું વિચારશે.
આસીમ મુનીરના ભરપૂર વખાણ
ટ્રમ્પે માત્ર પાકિસ્તાન જવાની વાત નથી કરી, પરંતુ ત્યાંના નેતૃત્વના પણ વખાણ કર્યા છે. તેમણે પાકિસ્તાની આર્મી ચીફ આસીમ મુનીરને 'ખૂબ સારા' ગણાવ્યા છે અને વડાપ્રધાન શાહબાઝ શરીફની પણ પ્રશંસા કરી છે. ટ્રમ્પનું આ બદલાયેલું વલણ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે.
શાંતિ કરારમાં પાકિસ્તાનની ભૂમિકા
અમેરિકા અને ઈરાન વચ્ચેના સાત અઠવાડિયાના સંઘર્ષ બાદ હવે શાંતિની આશા જાગી છે. પાકિસ્તાન આ બંને દેશો વચ્ચે વાતચીત કરાવવા માટે જોર લગાવી રહ્યું છે. ટ્રમ્પના મતે પાકિસ્તાન એક મધ્યસ્થી તરીકે ઉત્તમ કામ કરી રહ્યું છે. જો આ વાટાઘાટો સફળ રહેશે તો ટૂંક સમયમાં મોટા સમાચાર આવી શકે છે.
આ પણ ખાસ વાંચો : AI પર ટ્રમ્પનું મોટું નિવેદન : કંટ્રોલ નહીં રાખીએ તો ઊભો થઈ શકે છે સંકટ, કેમ આવુ કહેવુ પડ્યું ટ્રમ્પે?
તેલના ભાવ અને વૈશ્વિક અસરો
ટ્રમ્પનું માનવું છે કે, જો ઈરાન સાથે સમજૂતી થઈ જશે તો હોર્મુઝ સ્ટ્રેટ મુક્ત થશે અને તેલનો પુરવઠો સરળ બનશે. આનાથી ઇન્ટરનેશનલ બજારમાં તેલની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે, જે સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક સાબિત થશે.
ઈરાન સાથે મંત્રણાનો બીજો રાઉન્ડ
એક તરફ ટ્રમ્પ નિવેદનો આપી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાન એક્શનમાં છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે તેહરાનમાં ઈરાની નેતાઓ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ અમેરિકા અને ઈરાન વચ્ચેના બીજા રાઉન્ડની વાતચીતને સફળ બનાવવાનો છે.





