Home International Hormuz Strait Open Oil Price Fall India Impact 2026

હોર્મુઝ ખુલતાની સાથે જ તેલ-ગેસના ભાવમાં ધરખમ ઘટાડો! : જાણો ભારત પર શું થશે અસર

Hormuz Strait
Published by: Viral Patel
Last Updated: Apr 17, 2026, 02:20 PM IST

Hormuz Strait: ઈરાને 49 દિવસ બાદ યુદ્ધવિરામ દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તમામ વ્યાપારી જહાજો માટે ખોલી દીધું છે. આનાથી વૈશ્વિક ઉર્જા બજારને મોટી રાહત મળી છે. તેલના ભાવમાં લગભગ 10% અને ગેસના ભાવમાં 8.5% નો ઘટાડો નોંધાયો છે.

ઈરાને એક મોટી જાહેરાત કરતા શુક્રવારે, પૂરા 49 દિવસ બાદ વૈશ્વિક ઉર્જા પુરવઠા માટેના મહત્વના દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને ખોલી દીધો છે. એટલે કે, યુદ્ધવિરામના બાકીના દિવસો માટે હવે જહાજોની અવરજવર માટે આ માર્ગ સંપૂર્ણપણે ખુલી ગયો છે. આ સમાચાર ઉર્જા બજારમાં મોટી રાહત લઈને આવ્યા છે અને તેલ-ગેસના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેલના ભાવમાં લગભગ 10% અને ગેસના ભાવમાં 8.5% નો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધના સૌથી મોટા સમાચાર : 49 દિવસ બાદ સંપૂર્ણપણે ખોલાશે હોર્મુઝ સ્ટ્રેટ , ઈરાની વિદેશ મંત્રીની જાહેરાત

સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી દ્વારા હોર્મુઝ ખોલવાની જાહેરાત કર્યાના તરત બાદ તેલના ભાવમાં લગભગ 9% નો ઘટાડો થયો હતો. તેમણે કહ્યું કે યુદ્ધવિરામના બાકીના સમયગાળા દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટથી તમામ વ્યાપારી જહાજોની અવરજવર ચાલુ રહેશે. ત્યારબાદ વૈશ્વિક ક્રૂડ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદા 8.46 ડોલર એટલે કે 8.5% ઘટીને 90.93 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. જ્યારે, યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI) ક્રૂડ વાયદા 8.87 ડોલર એટલે કે 9.4% ઘટીને 85.82 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

યુરોપના બેન્ચમાર્ક ગેસ કોન્ટ્રાક્ટમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગેસના ભાવમાં લગભગ 8.5% નો ઘટાડો થયો છે. આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે ટૂંક સમયમાં સમજૂતી થઈ શકે છે, જોકે તેની સમયમર્યાદા હજુ સ્પષ્ટ નથી. પરંતુ આ સમાચારથી ઉર્જા બજારમાં સકારાત્મક સંદેશ ગયો છે અને કિંમતો ઘટી રહી છે.

હોર્મુઝનું ખુલવું ભારત માટે મોટી રાહત

દુનિયાના લગભગ 20 ટકા તેલ અને ગેસનું પરિવહન હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થાય છે. ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટનું ખુલવું એ રાહતના સમાચાર છે, કારણ કે દેશના કુલ ક્રૂડ ઓઈલ આયાતનો 40-50 ટકા હિસ્સો (આશરે 2.5-2.7 મિલિયન બેરલ પ્રતિદિન) ખાડી દેશો- ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈતથી હોરમૂઝ દ્વારા આવે છે. યુદ્ધ દરમિયાન હોર્મુઝમાં અવરોધને કારણે માર્ચ 2026માં ભારતની કુલ ક્રૂડ ઓઈલ આયાતમાં લગભગ 15 ટકાનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: 1,70,000 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે રહસ્યમયી ધૂમકેતુ : જાણો ક્યારે અને કેવી રીતે જોઈ શકો છો આ દુર્લભ નજારો

આને જોતા, ભારતને ફરી એકવાર રશિયા તરફ વળવું પડ્યું હતું. આ કારણે રશિયાથી આયાતમાં 90 ટકાનો ઉછાળો આવ્યો અને તે 1.9-2 મિલિયન બેરલ પ્રતિદિન સુધી પહોંચી ગઈ હતી. બીજી તરફ, ખાડી દેશોમાંથી તેલ-ગેસનો પુરવઠો પ્રભાવિત થયો હતો. ભારત હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેની એલપીજી આયાતનો 90% હિસ્સો મંગાવતું હતું, પરંતુ તે ઘટીને 40 ટકા રહી ગયો હતો. એલએનજી (LNG) પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જેના કારણે દેશમાં રસોઈ ગેસની ભારે તંગી જોવા મળી હતી.

હોર્મુઝ ખુલ્યા બાદ તરત જ તેલના ભાવમાં થયેલો ઘટાડો ભારત માટે રાહતરૂપ સમાચાર છે. નિષ્ણાતોનું અનુમાન છે કે તેલના ભાવમાં પ્રતિ 10 ડોલરનો ઘટાડો થવાથી ભારતનું વાર્ષિક તેલ આયાત બિલ 1.5-2 અબજ ડોલર સુધી ઘટી શકે છે. એપ્રિલમાં ભારતે પ્રથમ તબક્કામાં મોંઘું તેલ (125 ડોલર/બેરલની આસપાસ) ખરીદ્યું હતું, હવે ભાવ સ્થિર થવાથી પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસના ભાવ પરનું દબાણ ઓછું થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now