Gold-Silver: ઈરાન યુદ્ધમાં સીઝફાયર (યુદ્ધવિરામ)ની જાહેરાત બાદ બજારમાં મોટી હલચલ જોવા મળી છે. એક તરફ કાચા તેલના ભાવમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ સોના અને ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી છે.
શા માટે ઉછળ્યા સોના-ચાંદીના ભાવ?
અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસના સીઝફાયરની જાહેરાત થતા જ ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવે ઊંચી છલાંગ લગાવી છે. 8 એપ્રિલ, બુધવારના રોજ બંને કિંમતી ધાતુઓમાં મોટો વધારો નોંધાયો હતો. યુદ્ધ પર બ્રેક વાગતા જ સોનું 4,300 રૂપિયા સુધી ઉછળ્યું, જ્યારે ચાંદીમાં 14,000 રૂપિયાની તેજી જોવા મળી છે.
યુદ્ધવિરામના સમાચારની સાથે જ શેરબજારમાં 2,983 પોઈન્ટ્સનો ઉછાળો આવ્યો હતો અને રૂપિયો ડોલર સામે 43 પૈસા મજબૂત થયો હતો. આ દરમિયાન ક્રૂડ ઓઈલ (કાચું તેલ) 15% જેટલું ગગડીને 94 ડોલર પર પહોંચી ગયું છે. સામાન્ય રીતે શેરબજાર વધે અને તેલ ઘટે ત્યારે સોનું દબાણમાં રહે છે, પરંતુ અહીં શાંતિના સંકેતો સાથે જ સોનું મોંઘું થવા લાગ્યું છે. ચાલો સમજીએ યુદ્ધ અને સોના વચ્ચેનો આ અનોખો સંબંધ.
આજના લેટેસ્ટ ભાવ (8 એપ્રિલ, 2026)
કોમેક્સ (Comex) પર:
સોનું: 3.1% ના વધારા સાથે 4,850 ડોલર પ્રતિ ઔંસ.
ચાંદી: 6.80% ના વધારા સાથે 76.92 ડોલર પ્રતિ ઔંસ.
MCX પર (ભારતીય વાયદા બજાર)
સોનું: 2.36% વધીને ₹1,53,834 પ્રતિ 10 ગ્રામ.
ચાંદી: 2.36% વધીને ₹2,45,726 પ્રતિ કિલોગ્રામ.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબના ભાવ
24 કેરેટ સોનું: ₹1,52,068 પ્રતિ 10 ગ્રામ.
22 કેરેટ સોનું: ₹1,39,294 પ્રતિ 10 ગ્રામ.
18 કેરેટ સોનું: ₹1,14,051 પ્રતિ 10 ગ્રામ.
સોનું કેમ મોંઘું થઈ રહ્યું છે?
યુદ્ધ થંભવાને કારણે અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ખુલવાના સમાચારોથી દુનિયાને રાહત મળી છે, પરંતુ બજારના નિષ્ણાતોના મતે યુદ્ધ ટળવાને કારણે રોકાણકારો ફરીથી 'સેફ હેવન' ગણાતા સોના તરફ વળ્યા છે. ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી અર્થતંત્રમાં સ્થિરતાની આશા જાગી છે, જેને કારણે સોનાની માંગમાં વધારો થયો છે. રોકાણકારો હવે જોખમી એસેટ્સમાંથી નફો બુક કરીને ફરીથી સોનામાં રોકાણ કરી રહ્યા છે.
સોના-ચાંદી અને યુદ્ધનું કનેક્શન
જ્યારે યુદ્ધની સ્થિતિ હતી, ત્યારે ક્રૂડ ઓઈલ 115 ડોલર સુધી પહોંચી ગયું હતું, જે હવે 94 ડોલર પર છે. અગાઉ મોંઘા તેલને કારણે મોંઘવારી વધવાનો ડર હતો, જેનાથી અમેરિકી ફેડરલ રિઝર્વ અને અન્ય સેન્ટ્રલ બેંકો વ્યાજદરમાં વધારો કરવાની તૈયારીમાં હતી. આ ભયને કારણે રોકાણકારો સોનાથી દૂર થઈ રહ્યા હતા અને શેરબજારના નુકસાનની ભરપાઈ કરવા સોનું વેચી રહ્યા હતા. હવે યુદ્ધમાં બે અઠવાડિયાના બ્રેકને કારણે તેલ સસ્તું થયું છે, જેથી રોકાણકારોને મોટી રાહત મળી છે. આ સ્થિતિમાં સોના અને ચાંદીમાં ફરીથી ખરીદી શરૂ થઈ છે અને કિંમતો વધવા લાગી છે.
શું હજુ વધુ મોંઘું થશે સોનું?
બજારના નિષ્ણાતોના મતે સોનાની કિંમત હજુ વધી શકે છે અને તે ₹1.60 લાખથી ₹1.65 લાખ સુધી પહોંચી શકે છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થપાય છે, તો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ હજુ વધશે. સોનું અત્યારે પણ તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી ઘણું સસ્તું છે. 29 જાન્યુઆરી 2026ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹1.80 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹4.20 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.





