RBI MPC Decisions Today: નવા નાણાકીય વર્ષની પ્રથમ મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના નિર્ણયોની જાહેરાત કરતા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. સતત ત્રણ દિવસ ચાલેલી આ બેઠક બાદ આરબીઆઈએ મુખ્ય વ્યાજ દર એટલે કે 'રેપો રેટ' માં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. ગવર્નરે જણાવ્યું હતું કે, વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થિરતા જાળવી રાખવી જરૂરી છે. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે, તમારા હોમ લોન, કાર લોન કે પર્સનલ લોનના હપ્તા (EMI) માં હાલમાં કોઈ વધારો થશે નહીં.
વ્યાજ દરોમાં સ્થિરતા: 5.25% પર જ રહેશે રેપો રેટ
બુધવારે સવારે 10 વાગ્યે ગવર્નર સંજય મલ્હોત્રાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે એમપીસીના તમામ સભ્યોએ સર્વસંમતિથી રેપો રેટને 5.25% પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ડિસેમ્બર 2025 માં વ્યાજ દરોમાં ઘટાડો કર્યા બાદ આરબીઆઈએ ફરી એકવાર દરો યથાવત રાખ્યા છે. ફેબ્રુઆરી 2024 થી અત્યાર સુધીમાં આરબીઆઈ કુલ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી ચૂકી છે, જેના કારણે ગત વર્ષોની સરખામણીએ લોન લેનારા ગ્રાહકોને વ્યાજ દરોમાં નોંધપાત્ર રાહત મળી રહી છે.
મોંઘવારીના મોરચે 'મિશ્ર' સંકેતો અને ભાવિ અંદાજ
રિઝર્વ બેંકના મતે મોંઘવારી અત્યારે નિયંત્રણમાં છે પરંતુ ખાદ્ય ચીજોના ભાવમાં ઉતાર-ચઢાવ ચિંતાનો વિષય છે. ગવર્નરના જણાવ્યા મુજબ:
નાણાકીય વર્ષ 2026-27 માટે સરેરાશ મોંઘવારી દર 4.6% રહેવાનો અંદાજ છે.
પ્રથમ ત્રિમાસિકમાં તે 4% રહેવાની ધારણા છે, જે ચોથા ત્રિમાસિક સુધીમાં વધીને 4.7% થઈ શકે છે.
વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ અને સપ્લાય ચેઈનમાં આવતા અવરોધો મોંઘવારી પર 'અપસાઈડ રિસ્ક' (વધારાનું જોખમ) ઊભું કરી શકે છે.
આ પણ વાંચો: શેરબજાર પર ટ્રમ્પની 'પીસ' ઈફેક્ટ : રિયલ્ટી અને બેંકિંગ શેરોમાં તોફાની તેજી, LIC પણ બોનસ આપશે
GDP ગ્રોથ રેટમાં સુધારો: વિકાસ દરનો અંદાજ ઘટાડાયો
આરબીઆઈએ દેશના આર્થિક વિકાસ એટલે કે જીડીપી ગ્રોથના અંદાજમાં સાવચેતીપૂર્વક સુધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2025-26 (FY26) માટે અગાઉ જે વિકાસ દર 7.6% રહેવાનો અંદાજ હતો, તેને હવે સુધારીને 7.3% કરવામાં આવ્યો છે. વૈશ્વિક આર્થિક મંદીની આશંકા અને ભૌગોલિક-રાજકીય તણાવના કારણે ભારતીય અર્થતંત્ર પર પડનારી સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.
વેસ્ટ એશિયામાં યુદ્ધની ચિંતા: અર્થતંત્ર પર પડી શકે છે અસર
એમપીસીની બેઠકમાં પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા સંઘર્ષ પર ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે, તો તે કાચા તેલના પુરવઠાને અસર કરી શકે છે, જે અંતે મોંઘવારી વધારશે અને જીડીપી ગ્રોથની ગતિ ધીમી કરી શકે છે. જોકે, તેમણે આશ્વાસન આપ્યું હતું કે ભારતનું આર્થિક માળખું અત્યંત મજબૂત અને જુઝારુ છે, જે આવી વૈશ્વિક અસરો સામે લડવાની ક્ષમતા ધરાવે છે.





