વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન આજે ભારે હોબાળો સર્જાયો હતો. સભામાં વિવિધ મુદ્દાઓને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.
સભામાં હોબાળો
સભાની શરૂઆતમાં ધારાસભ્ય અને કાઉન્સિલર કેયુર રોકડિયાએ “વોટ ચોરી”નો મુદ્દો ઉઠાવ્યો, જે અંગે અગાઉ કોંગ્રેસે પણ ચર્ચા કરી હતી. કેયુર રોકડિયાના નિવેદન સામે વિપક્ષે વાંધો ઉઠાવતા સભામાં હોબાળો થયો અને વિપક્ષના સભ્યોએ જણાવ્યું કે, “શહેરની મૂળભૂત સમસ્યાઓ પર ચર્ચા થવી જોઈએ, રાજકીય આરોપો નહીં.”
9 કરોડનો ચૂનો?
તે બાદ કાઉન્સિલર આશિષ જોશીએ યુનિપોલ ટેન્ડર અને ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે યુનિપોલના કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનો ભંગ કરીને કોર્પોરેશનને 9 કરોડનો ચૂનો ચોપડ્યો છે. આશિષ જોશીએ માંગણી કરી કે સાઇટમેક્સ કંપની પાસેથી તાત્કાલિક 9 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવે.
પ્લાનિંગ વિભાગના ટીડીઓ પર આક્ષેપ
આ મામલો હાલ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે, જ્યાંથી કોર્ટે જવાબદાર અધિકારીઓનાં નામ રજૂ કરવા કહ્યું છે. આ મામલે એક અધિકારીએ કોર્ટમાં દાખલ કરેલા હલફનામામાં જણાવ્યું કે ટેન્ડર પાસ કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો જવાબદાર છે. આ નિવેદન બાદ સભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે શરમજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. આગળ વધતાં આશિષ જોશીએ ટાઉન પ્લાનિંગ વિભાગના ટીડીઓ જીતેશ ત્રિવેદી સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે ત્રિવેદી ગત વર્ષે નિવૃત્ત થયા હોવા છતાં હજુ પણ કોર્પોરેશનમાં વહીવટી નિર્ણય લે છે. નિવૃત્તિ બાદ માત્ર બે મહિના પછી ત્રિવેદીએ ખાતા અધિકારી તરીકે નોટિસ ફટકારી હતી, જે કાયદેસર રીતે શક્ય નથી, એવો આક્ષેપ થયો.






