UP Kanwar Yatra Rules 2026: શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ઉત્તર પ્રદેશમાં કાંવડ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. દર વર્ષે લાખો શિવભક્તો આ યાત્રામાં ભાગ લેતા હોવાથી રાજ્ય સરકારે આ વર્ષે સુરક્ષા, વ્યવસ્થા અને પારદર્શિતા જાળવવા માટે અનેક નવા નિયમો જાહેર કર્યા છે. ખાસ કરીને કાંવડ યાત્રામાં ઉપયોગમાં લેવાતા ડીજે (DJ), મ્યુઝિક સિસ્ટમ, હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટ માટે કડક માર્ગદર્શિકા અમલમાં મુકવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે સીધી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના એડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમોનો હેતુ યાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવાનો, અવાજ પ્રદૂષણ રોકવાનો અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત તથા સુવ્યવસ્થિત યાત્રાનો અનુભવ કરાવવાનો છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ, ATS, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને અન્ય સુરક્ષા દળોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ડીજે અને કાંવડની ઊંચાઈ માટે નક્કી કરાઈ મર્યાદા
પ્રશાસનના નવા નિયમો મુજબ કાંવડ યાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા ડીજે અથવા મ્યુઝિક સિસ્ટમની ઊંચાઈ 10 ફૂટથી વધુ અને પહોળાઈ 12 ફૂટથી વધુ રાખી શકાશે નહીં. તે ઉપરાંત મ્યુઝિક સિસ્ટમનો અવાજ પણ 75 ડેસિબલથી વધુ રાખવાની મંજૂરી નહીં હોય. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ મર્યાદાનું પાલન ન કરનાર સામે કેસ નોંધવામાં આવશે. મેરઠ સહિતના અનેક જિલ્લાઓમાં ડીજે સંચાલકોને પહેલેથી જ નોટિસ આપવામાં આવી ચૂકી છે.
આ પણ વાંચો: ઉત્તર કન્નડમાં ભીષણ માર્ગ અકસ્માત : ટ્રક-ક્રૂઝર અથડાતા 7ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
માત્ર ભક્તિ ગીતો વગાડવાની જ મંજૂરી
કાંવડ યાત્રા દરમિયાન માત્ર ભગવાન શિવ અને ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલા ભક્તિ ગીતો જ વગાડી શકાશે. અશ્લીલ ગીતો, ઉશ્કેરણીજનક સંગીત અથવા કોઈપણ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવા ગીતો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ઉપરાંત હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અને શાંતિપૂર્ણ વિસ્તારોની આસપાસ ડીજે અથવા મ્યુઝિક સિસ્ટમ ઉભી રાખવા પર પણ પ્રતિબંધ રહેશે.
હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટ માટે નવા નિયમો
કાંવડ માર્ગ પર આવેલા તમામ હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટ માટે પણ નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. હવે તમામ સંચાલકોએ પોતાના સ્થળે QR કોડ ફરજિયાત લગાવવો પડશે. શ્રદ્ધાળુઓ QR કોડ સ્કેન કરીને સંચાલકનું નામ તેમજ ભોજન અને અન્ય વસ્તુઓના નિર્ધારિત ભાવ જાણી શકશે. આ વ્યવસ્થાથી વધારે ભાવ વસૂલવા જેવી ફરિયાદો પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સુરક્ષા માટે બહુસ્તરીય વ્યવસ્થા
કાંવડ યાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને પણ વધુ મજબૂત બનાવી છે. દરેક પોલીસ સ્ટેશનમાં કાંવડ યાત્રા માટે અલગ રજિસ્ટર તૈયાર કરવામાં આવશે, જેમાં યાત્રા સંબંધિત તમામ માહિતી નોંધાશે. 15 જુલાઈ પહેલાં અધિકારીઓને દર બીજા દિવસે યાત્રા માર્ગનું નિરીક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર રૂટ પર CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે.
ATS, ઇન્ટેલિજન્સ અને સાદા વેશમાં પોલીસ રહેશે તૈનાત
યાત્રા દરમિયાન માત્ર સ્થાનિક પોલીસ જ નહીં પરંતુ ATS, અર્ધલશ્કરી દળો, ઇન્ટેલિજન્સ અને IBની ટીમો પણ સતત નજર રાખશે. જરૂરિયાત મુજબ, કેટલાક પોલીસકર્મીઓને કાંવડિયાના વેશમાં પણ તૈનાત કરવામાં આવશે, જેથી ભીડ વચ્ચે રહી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર તાત્કાલિક નજર રાખી શકાય.
નિયમોનો હેતુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત કાંવડ યાત્રા
ઉત્તર પ્રદેશ સરકારનું કહેવું છે કે, દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કાંવડ યાત્રામાં ભાગ લે છે. આવી સ્થિતિમાં સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, અવાજ પ્રદૂષણ પર નિયંત્રણ અને યાત્રાળુઓને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આ નવા નિયમો જરૂરી છે. પ્રશાસને તમામ કાંવડિયા, ડીજે સંચાલકો અને વેપારીઓને જાહેર કરાયેલા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનો ભંગ કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.






