India Electronics Custom Duty: દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે સ્માર્ટફોન, લેપટોપ, કમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, સ્માર્ટવોચ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોમાં વપરાતા અનેક મહત્વના પાર્ટ્સ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. સાથે જ આયાત ડ્યુટીમાં મળતી આ છૂટને 31 માર્ચ 2029 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી સમગ્ર દેશમાં અમલમાં આવી ગયો છે.
સરકારનું માનવું છે કે, આ પગલાથી ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને મોટો વેગ મળશે, ઉત્પાદન ખર્ચ ઘટશે અને વૈશ્વિક કંપનીઓ વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થશે. જો કે, ગ્રાહકોને સીધો કેટલો લાભ મળશે તે ઉત્પાદક કંપનીઓની કિંમત નક્કી કરવાની નીતિ પર આધારિત રહેશે.
કયા પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટીમાંથી મળશે મુક્તિ?
સરકારે સ્માર્ટફોન, કમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, સ્માર્ટવોચ અને અન્ય આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાતા અનેક મહત્વના કોમ્પોનન્ટ્સ પર કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે માફ કરી છે. આમાં ડિસ્પ્લે મોડ્યુલ, સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ, લિથિયમ-આયન બેટરીના પાર્ટ્સ, ડિસ્પ્લે સેલ, બેકલાઇટ યુનિટ, ફ્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ એસેમ્બલી (FPCA), ફ્રેમ, એનઆઇસોટ્રોપિક કંડક્ટિવ ફિલ્મ (ACF) સહિતના અનેક પાર્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાયરલેસ ચાર્જિંગ માટે ઉપયોગમાં લેવાતા NFC મોડ્યુલ, કંડક્ટર કોઇલ, નેનો-ક્રિસ્ટલાઇન એસેમ્બલી, E-શીલ્ડ, PET લાઇનર અને NdFeB મેગ્નેટ પર પણ કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપવામાં આવી છે.
મોબાઇલ, લેપટોપ અને સ્માર્ટ ટીવી સસ્તા થશે?
નિષ્ણાતોના મતે, કસ્ટમ ડ્યુટીમાં રાહત મળવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, જેના કારણે ભવિષ્યમાં સ્માર્ટફોન, લેપટોપ, કમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, સ્માર્ટવોચ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા છે. જો કે, ગ્રાહકોને કેટલો સીધો લાભ મળશે તે દરેક કંપનીની કિંમતો નક્કી કરવાની નીતિ, બજારની માંગ અને સ્પર્ધા પર નિર્ભર રહેશે.
કઈ કંપનીઓને થશે સૌથી વધુ ફાયદો?
સરકારના આ નિર્ણયથી ખાસ કરીને ઓટોમોટિવ, મેડિકલ ઇક્વિપમેન્ટ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી કંપનીઓને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે. સ્થાનિક ઉત્પાદકોને હવે વિદેશમાંથી જરૂરી કોમ્પોનન્ટ્સ ઓછા ખર્ચે આયાત કરવાની તક મળશે, જેના કારણે દેશમાં ઉત્પાદન ક્ષમતા વધશે અને નવા રોકાણને પણ પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો: Post Office Monthly Income Scheme : ફક્ત એક વખત ઇન્વેસ્ટ કરો અને પછી, દર મહિને મળશે નિશ્ચિત આવક
તૈયાર ઇમ્પોર્ટેડ પાર્ટ્સને નહીં મળે આ લાભ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ છૂટ માત્ર કાચા માલ અને ઉત્પાદન માટે જરૂરી કોમ્પોનન્ટ્સ સુધી મર્યાદિત રહેશે. વિદેશથી સીધા આયાત થતા તૈયાર ડિસ્પ્લે એસેમ્બલી અથવા તૈયાર ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સને આ રાહતનો લાભ મળશે નહીં. એટલે કે તૈયાર મોબાઇલ ડિસ્પ્લે, સ્માર્ટ ટીવી ડિસ્પ્લે અથવા અન્ય સંપૂર્ણ એસેમ્બલ થયેલા કોમ્પોનન્ટ્સ પર પહેલાની જેમ જ નિયમો લાગુ રહેશે.
સ્થાનિક મેન્યુફેક્ચરિંગને મળશે મોટો બૂસ્ટ
કેન્દ્ર સરકારનો મુખ્ય હેતુ ભારતમાં અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને વધુ પ્રોત્સાહન આપવાનો છે. આયાતી તૈયાર ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટાડીને દેશમાં જ વધુ ઉત્પાદન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ નીતિથી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), સેમિકન્ડક્ટર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ગ્રીન ટેક્નોલોજી ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ આવી શકે છે. સાથે જ ભારતની સ્થાનિક સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે અને દેશ વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી શકશે.





