રાજ્યમાં માવઠા બાદ ફરી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ફરી વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
22-24 મે માં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અગામી 7 દિવસમાં છુટાછવાયાથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જ્યારે 19 અને 20 મેં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે ગુજરાતમાં ગીર સોમનાથ, અમરેલી, દિવ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે. જ્યારે 21 મેં બાદ ગુજરાતમાં વરસાદની ગતિમાં વધારો થવાની સંભાવના રહેલી છે. આ વરસાદની વચ્ચે અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત 22 અને 24 મે વચ્ચે ગાજવીજ સાથે અમરેલી,ભાવનગર,વલસાડ,નવસારી,તાપી,ડાંગ,દમણ,દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. જ્યારે 24 મેના રોજ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલની શું છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22 મેની આસપાસ મુંબઈ અને ગોવા વચ્ચે એક મજબૂત હવામાન સિસ્ટમ સર્જાશે, જે 24 થી 28 મેથી વધુ સક્રિય બનશે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને મુંબઈના કેટલાક વિસ્તારોમાં નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે. વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદના હવાના સંજોગો છે. 24 થી 31 મે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે આંધી, વંટોળ અને વરસાદ જોવા મળી શકે છે. શ્રીલંકા તરફથી 28 મેથી વરસાદી ઝાપટાં શરૂ થવાની સંભાવના છે અને 28 મે થી 4 જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સમયગાળામાં તાપમાન ઘટીને 35 થી 39 ડિગ્રી વચ્ચે રહેતાં ગરમીમાંથી રાહત મળવાની પણ સંભાવના છે.






