રાજ્યમાં તાજેતરમાં આવેલા વાવાઝોડા અને અણધાર્યા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન અસ્વસ્થ બન્યું છે. તોફાની પવન અને ભારે વરસાદના કારણે વૃક્ષ, હોર્ડિંગ્સ અને મકાનો ધરાશાયી થયા છે, તેમજ વીજળી પડવાના દુર્ઘટનાઓમાં 14 નાગરિકોનું દુઃખદ અવસાન થયું છે. આ આપત્તિએ ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તે પછી સમગ્ર મુદ્દો રાજકીય રીતે ચર્ચામાં આવ્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર સામે આકરા સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે, “હવામાન વિભાગની આગોતરી ચેતવણી હોવા છતાં સરકારે કોઈપણ પ્રકારની તૈયારી કરી નહોતી. નાગરિકોને સાવચેત પણ કરવામાં ન આવ્યા, જેના પરિણામે ગંભીર નુકસાન સામે આવ્યું છે.”
રાજ્યમાં વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે મૃત્યુ પામેલ મૃતકો, માલ-મિલ્કત અને ખેતીમાં થયેલ નુકસાનીનો સરકાર સર્વે કરાવી તાત્કાલિક સહાય ચુકવવા મુદ્દે પ્રેસ મીડિયા સંબોધન.@CMOGuj pic.twitter.com/WWpNoW1DNi
— Amit Chavda (@AmitChavdaINC) May 6, 2025
કોંગ્રેસે સરકાર સમક્ષ મૂકી માગણી:
મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને રૂ. 10 લાખની સહાય તાત્કાલિક આપવામાં આવે.
બાગાયત પાકોમાં ખાસ કરીને કેરીના ખેડૂતોએ મોટા પ્રમાણમાં નુકસાન ભોગવ્યું છે, તેથી તાત્કાલિક સર્વે દ્વારા વળતર નક્કી કરવામાં આવે.
2020 પહેલા ચાલુ રહેલી પાક વીમા યોજના ફરીથી શરૂ કરવામાં આવે, જેમાં સરકારે તે સમયે 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરતા હતાં.
મનરેગા અને દાહોદ કૌભાંડ મુદ્દે ગંભીર આક્ષેપ:
દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂ. 100 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ પણ ચાવડાએ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, “ઘણા કામો માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવ્યા છે, જમીન પર તેનો કોઈ અસ્તિત્વ નથી. હવે પાછળથી સ્થળ પર કામ દેખાડવા માટે પુરાવા ઉભા કરવાની કોશિશો થઈ રહી છે. તપાસ કરતા અધિકારીઓની બદલી થતી રહે છે, જેના કારણે નિષ્પક્ષ તપાસ શક્ય બની નથી.”
કોંગ્રેસે રાજ્ય સરકાર પાસે માંગ કરી છે કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરાવી જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે.





