અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક 8 વર્ષના માસૂમ બાળક સાથે યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું ગંભીર કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે. મસ્જિદમાં નમાજ માટે આવેલા એક યુવકે બાળકને લાલચ આપી ધાબે લઈ જઈ આ કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે. બનાવ બાદ બાળક દ્વારા તેના વાલીને જાણ કરવામાં આવી હતી, જેના આધારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
નૌમાને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું
મળતી માહિતી મુજબ, જમાલપુરમાં આવેલી મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ માટે આવ્યો હતો. તે સમયે મસ્જિદમાં કેટલાંક બાળકો પણ હાજર હતા. આ દરમિયાન નૌમાને એક 8 વર્ષના બાળક સાથે વાતચીત કરી હતી અને બાદમાં લાલચ આપીને બાળકને મસ્જિદના ધાબે લઈ ગયો હતો. ત્યાં નૌમાને તકનો લાભ લઈને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાના બાદ બાળકને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યું હતું.
પોલીસે આરોપીને દબોચ્યો
બાળક નીચે આવી પોતાના વાલીને સમગ્ર ઘટનાની જાણ કરતા વાલીએ તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસને માહિતી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને આરોપી નૌમાન શેખની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન નૌમાન બાળકને લઈને ધાબે જતા અને પરત આવતાં CCTV ફૂટેજમાં દેખાઈ આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે CCTV ફૂટેજ તેમજ મેડિકલ રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે અને નાનાં બાળકોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.




















