નાણા મંત્રી નિર્મલા સિતારમણે આ વખતે બજેટમાં સૌ કોઈનું ધ્યાન રાખ્યું છે તેમ કહેવામાં આવી રહ્યું છે, જેમાં 50,65,345 કરોડ રૂપિયાના ખર્ચની કલ્પના કરવામાં આવી છે. આ રકમ વર્તમાન નાણાકીય વર્ષ કરતાં 7.4 ટકા વધુ છે. જોકે આ વખતના બજેટમાં અન્ય દેશોનું પણ ઘ્યાન રાખવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વિદેશી દેશોની સહાય માટે 5 હજાર 483 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયણનું કુલ બજેટ 20 હજાર 516 કરોડ રૂપિયા છે.
આ લિસ્ટમાં ભૂટાન ટોચ પર
ભારત 2025-26માં ભૂટાનને સૌથી વધુ મદદ કરશે. ભૂટાનને 2,150 કરોડ મળશે. આ ગત વર્ષના રૂ. 2,068 કરોડની ફાળવણી કરતાં વધુ છે. ભારત ભૂટાનનું પ્રાથમિક વિકાસ ભાગીદાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને આર્થિક સહયોગ માટે ધિરાણ કરે છે.
માલદીવ માટે બજેટમાં વધારો
માલદીવ માટે ભારતની ફાળવણી 400 કરોડ રૂપિયાથી વધીને 600 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની ચૂંટણીમાં જીત બાદ ચીન તરફી વલણના કારણે નવી દિલ્હી સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અફઘાનિસ્તાનને મળતી સહાયમાં ઘટાડો
અફઘાનિસ્તાનને ગત વર્ષે 200 કરોડ રૂપિયાની સહાય રકમ આપવામાં આવી હતી, જે 2025-26માં ઘટીને 100 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ બે વર્ષ પહેલાં આપવામાં આવેલા રૂ. 207 કરોડ કરતાં ઘણું ઓછું છે. ભારત તાલિબાન સરકાર સાથેના વ્યવહારમાં સાવધ રહ્યું છે અને માનવતાવાદી સહાય અને આર્થિક સહયોગ સુધી તેની સંડોવણી મર્યાદિત કરી છે.
મ્યાનમારને મળતી સહાયમાં વધારો
મ્યાનમારનું બજેટ 2024-25 માટે 250 કરોડ રૂપિયાથી વધારીને 2025-26 માટે 350 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. દેશમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે આવું કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ભારત-મ્યાનમાર સરહદ પર લોકોની અવરજવર માટેના નિયમો કડક બનાવ્યા છે. નવા નિયમો અનુસાર ફ્રી મૂવમેન્ટ રેજીમ (FMR) હેઠળ બંને બાજુએ 16 કિલોમીટરથી લઈને 10 કિલોમીટર સુધી હિલચાલ પર પ્રતિબંધ છે.
અન્ય દેશોમાં કેટલી ફાળવણી
નેપાળ માટે 700 કરોડ રૂપિયાની ફાળવણી જ્યારે શ્રીલંકા માટે 245 કરોડથી વધારીને રૂ. 300 કરોડની ફાળવણી. ગત વર્ષે બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની હકાલપટ્ટી પછી બંને દેશો વચ્ચેના રાજદ્વારી મતભેદો વચ્ચે ઢાકાને આપવામાં આવેલી સહાયની રકમ 120 કરોડ રૂપિયા પર યથાવત છે.




















