Home International Un Climate Report 2026 Global Warming Record Heat Warning

આગામી 5 વર્ષ પૃથ્વી પર માનવ માટે સૌથી ખતરનાક! : ગ્લોબલ વોર્મિંગ પર UN નો ચોંકાવનારો ખુલાસો

UN Climate Report 2026
Image Credit: AI Image
Published by: Aryan Shah
Last Updated: May 28, 2026, 02:13 PM IST

UN Climate Report 2026 : સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક નવા રિપોર્ટે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આગામી 5 વર્ષ એટલે કે વર્ષ 2026 થી 2030 દરમિયાન પૃથ્વી પર ગરમીના તમામ રેકોર્ડ તૂટી જવાની આશંકા સેવાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે, જે સમગ્ર માનવજાત માટે એક ખુબ જ ગંભીર ખતરાની ઘંટડી સમાન છે. વર્લ્ડ મેટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) ના આ રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે, માનવીય ભૂલોને કારણે કુદરતનું સંતુલન બગડી રહ્યું છે.

તાપમાનમાં વધારો

પેરિસ કરારમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે પૃથ્વીનું સરેરાશ તાપમાન પૂર્વ-ઔદ્યોગિક કાળની સરખામણીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ વધવા નહીં દઈએ. પરંતુ WMO નો નવો રિપોર્ટ કહે છે કે, વર્ષ 2026 થી 2030 વચ્ચે 75 ટકા શક્યતા એવી છે કે 5 વર્ષનું સરેરાશ તાપમાન આ 1.5 ડિગ્રીની મર્યાદાને વારંવાર પાર કરી જશે. ફેક્ટરીઓ અને વાહનોમાંથી નીકળતા ગ્રીનહાઉસ ગેસ આ માટે મુખ્ય જવાબદાર છે.

નવા રેકોર્ડની આશંકા

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આગામી પાંચ વર્ષોમાંથી ઓછામાં ઓછું એક વર્ષ 1.5 ડિગ્રીની મર્યાદા પાર કરી જાય તેની 91% શક્યતા છે. આ સાથે જ, આ પાંચ વર્ષોમાંથી કોઈ એક વર્ષ અગાઉના વર્ષ 2024 ની ગરમીનો રેકોર્ડ પણ તોડી નાખશે તેની 86% શક્યતા છે. એટલે કે, આવનારા દિવસો અત્યાર સુધીના સૌથી ગરમ દિવસો સાબિત થઈ શકે છે.

આર્કટિક પર સંકટ

રિપોર્ટમાં સૌથી ચિંતાજનક બાબત આર્કટિક વિસ્તાર વિશે જણાવવામાં આવી છે. અહીં તાપમાન બાકીની દુનિયાની સરખામણીમાં લગભગ સાડા ત્રણ ગણી ઝડપે વધી રહ્યું છે. આગામી સમયમાં આર્કટિકનું તાપમાન સરેરાશ 1.66 ડિગ્રી સેલ્સિયસ વધુ વધી શકે છે. ત્યાંનો બરફ સતત પીગળી રહ્યો છે, જેના કારણે સૂર્યના કિરણો સમુદ્રમાં વધુ શોષાય છે અને ગરમી સતત વધતી રહે છે.

એમેઝોનના જંગલોમાં દુષ્કાળ

એમેઝોન પૃથ્વી પરનું સૌથી મોટું જંગલ છે, જે હવામાંથી ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ શોષીને હવામાનને કાબૂમાં રાખે છે. પરંતુ આગામી પાંચ વર્ષમાં એમેઝોનમાં અસામાન્ય દુષ્કાળ પડી શકે છે અને જંગલોમાં આગ લાગવાનું જોખમ વધી શકે છે. જો એમેઝોનના જંગલો સુકાઈ જશે, તો તે કાર્બન શોષવાના બદલે પોતે કાર્બન છોડવા લાગશે, જેનાથી ગ્લોબલ વોર્મિંગ વધુ ઝડપી બનશે.

આ શહેર નોંધાયું દુનિયાનું સૌથી ગરમ સ્થળ: પારો 50 ડિગ્રીની નજીક! Top-10માં ભારતના પણ 3 શહેરો સામેલ, જાણો નામ

હવામાનની આડઅસરો

પૃથ્વી પર ગરમી વધવાને કારણે હવામાન વધુ ઉગ્ર બની રહ્યું છે. ભવિષ્યમાં પૂર, દુષ્કાળ, હીટવેવ અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ વધુ આવશે. હાલમાં પણ ભારત, પાકિસ્તાન અને યુરોપના દેશોમાં લૂનો પ્રકોપ સતત વધી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તાપમાનમાં દર 0.1 ડિગ્રીના વધારા સાથે તેની અસરો વધુ ગંભીર અને જીવલેણ બનતી જાય છે.

ભારત પર અસર

ભારત ગરમીની સૌથી વધુ માઠી અસર સહન કરનારા દેશોની યાદીમાં સામેલ છે. આગામી વર્ષોમાં દેશમાં હીટવેવ (લૂ) ની ઘટનાઓ ખૂબ જ વધી જશે. આ દરમિયાન રાત્રિનું તાપમાન પણ ઊંચું રહેશે, જેના કારણે માનવ શરીરને ગરમીથી આરામ નહીં મળી શકે. આ ફેરફારોથી દેશના કૃષિ ક્ષેત્ર, લોકોના આરોગ્ય અને પીવાના પાણીની ઉપલબ્ધતા પર ખુબ જ ખરાબ અસર પડશે.

પ્રશાંત મહાસાગરમાંથી આવી રહી છે 'આફત': ભારતના આ શહેર પર તોળાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! જાણો શું થશે અસર?

ઉકેલ અને પગલાં

સંયુક્ત રાષ્ટ્રના ક્લાયમેટ ચીફ સાયમન સ્ટીલે સ્પષ્ટ કર્યું છે કે ગ્લોબલ વોર્મિંગને રોકવાના વર્તમાન પ્રયાસો પૂરતા નથી. વિશ્વમાં કોલસો, ઓઈલ અને ગેસનો ઉપયોગ હજુ પણ ઘણો વધારે છે. જો આપણે નુકસાન ઓછું કરવું હોય, તો તાત્કાલિક ધોરણે કાર્બન ઉત્સર્જન ઘટાડવું પડશે, રિન્યુએબલ એનર્જી (સૌર ઉર્જા અને પવન ઉર્જા) નો વપરાશ વધારવો પડશે અને જંગલોનું રક્ષણ કરવું પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now