પૂર્વ આફ્રિકાના દેશ કેન્યામાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. કેન્યાના ગિલગિલ વિસ્તારમાં આવેલી એક ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલના હોસ્ટેલમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા 16 વિદ્યાર્થીનીઓના કરુણ મોત થયા છે, જ્યારે 79થી વધુ વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. આ દુર્ઘટનાઉતુઈશી ગર્લ્સ સ્કૂલના હોસ્ટેલમાં બની હતી. આ સ્કૂલમાં 800થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં હોસ્ટેલમાં અફરાતફરી મચી ગઈ હતી અને અનેક વિદ્યાર્થીનીઓ બહાર નીકળવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી.
હોસ્ટેલમાં મોડી રાત્રે લાગી આગ
પ્રાથમિક માહિતી મુજબ, હોસ્ટેલમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતાં હોસ્ટેલના રૂમોમાં ધુમાડો છવાઈ ગયો હતો. આગના કારણે અનેક વિદ્યાર્થીનીઓ અંદર જ ફસાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ અને બચાવદળ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ગંભીર રીતે દાઝેલી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને નજીકની હોસ્પિટલો ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.
માત્ર એક જ દરવાજો ખુલ્લો હોવાનો આક્ષેપ
ઘટનાના ચશ્મદીદોના જણાવ્યા અનુસાર, હોસ્ટેલના બે મુખ્ય દરવાજામાંથી માત્ર એક જ દરવાજો ખોલવામાં આવ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સમયસર બહાર નીકળી શકી નહોતી. કેટલાક લોકોએ આક્ષેપ કર્યો કે હોસ્ટેલમાં આગ અંગે યોગ્ય ચેતવણી આપવામાં આવી નહોતી. પરિણામે અનેક વિદ્યાર્થીનીઓ ગભરાટમાં અંદર જ ફસાઈ ગઈ હતી. આ ઘટનાએ સ્કૂલોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: લેબેનોન-ઈઝરાયલ યુદ્ધમાં 300થી વધુ ગામો ખાલી કરાવાયા : દક્ષિણ લેબેનોન ‘કોમ્બેટ ઝોન’ જાહેર
ઉચ્ચસ્તરીય તપાસના આદેશ
કેન્યાના શિક્ષણ મંત્રી જુલિયસ ઓગામ્બાએ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં ખાસ કરીને એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે સ્કૂલ પ્રશાસને ફાયર સેફ્ટી નિયમોનું પાલન કર્યું હતું કે નહીં. હોસ્ટેલમાં પૂરતા ઈમરજન્સી એક્ઝિટ, આગ બુઝાવવાના સાધનો અને સલામતી વ્યવસ્થા ઉપલબ્ધ હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
રેડ ક્રોસ અને બચાવ ટીમો મેદાનમાં
ઘટના બાદ કેન્યા રેડ ક્રોસની ટીમો હોસ્પિટલોમાં પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓ તેમજ તેમના પરિવારજનોને મદદ પૂરી પાડી રહી છે. અધિકારીઓએ મૃતક વિદ્યાર્થીનીઓની ઓળખ પ્રક્રિયા શરૂ કરી છે. ઘણા માતા-પિતા હોસ્પિટલ અને સ્કૂલ કેમ્પસ બહાર પોતાના સંતાનો અંગે માહિતી મેળવવા ઉમટી પડ્યા હતા. આ ઘટનાએ સમગ્ર કેન્યામાં શોક અને ચિંતા ફેલાવી દીધી છે.
અગાઉ પણ બની ચૂકી છે આવી દુર્ઘટનાઓ
કેન્યામાં સ્કૂલ હોસ્ટેલમાં આગ લાગવાની આ કોઈ પહેલી ઘટના નથી. વર્ષ 2024માં પણ મધ્ય કેન્યાની એક સ્કૂલમાં આગ લાગતા 21 વિદ્યાર્થીઓના મોત થયા હતા. તે સમયે દેશના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. તે પહેલાં વર્ષ 2017માં નૈરોબીની એક સ્કૂલમાં લાગેલી આગમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ કેસમાં બાદમાં એક વિદ્યાર્થી સામે હત્યાનો ગુનો પણ નોંધાયો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે કેન્યાની શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતી ધોરણો અંગે સતત પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સ્કૂલ સલામતી પર ફરી ચર્ચા
આ આગકાંડ બાદ ફરી એકવાર સ્કૂલ હોસ્ટેલોમાં સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ચર્ચાનો વિષય બની છે. નિષ્ણાતોનું માનવું છે કે બોર્ડિંગ સ્કૂલોમાં ઈમરજન્સી ડ્રિલ, ફાયર એલાર્મ સિસ્ટમ અને પૂરતી બહાર નીકળવાની વ્યવસ્થા ફરજિયાત હોવી જોઈએ. સાથે જ હોસ્ટેલ સ્ટાફને પણ આગ જેવી પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી કરવી તેની તાલીમ આપવામાં આવવી જોઈએ.





