U19 World Cup Final : ભારતીય અંડર-19 ટીમે ઇંગ્લેન્ડ સામેની વર્લ્ડ કપ ફાઇનલમાં ઇતિહાસ રચી દીધો છે. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 411 રન બનાવ્યા છે. U19 વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાઇનલ મેચમાં બનાવવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ઇંગ્લેન્ડને હવે આ ફાઇનલ જીતવા માટે 412 રન કરવાની જરૂર છે.
વૈભવ સૂર્યવંશીની બેટિંગ
ભારતની આ વિરાટ સ્કોરની ગાથામાં સૌથી મોટું નામ વૈભવ સૂર્યવંશી રહ્યું. તેને માત્ર 80 બોલમાં 175 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. વૈભવે 218.75 ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા મેદાનની ચારેબાજુ 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. તેની આ આક્રમક બેટિંગને કારણે ઇંગ્લેન્ડના બોલરો લાચાર દેખાઈ રહ્યા હતા. આ દરમિયાન તેને માત્ર 55 બોલમાં જ પોતાની સેન્ચુરી પૂરી કરી લીધી હતી.
મહત્વની પાર્ટનરશીપ
મેચની શરૂઆતમાં ઓપનર એરોન જ્યોર્જ (9 રન) જલ્દી આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ કેપ્ટન આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી વચ્ચે બીજી વિકેટ માટે 142 રનની શાનદાર પાર્ટનરશીપ થઈ હતી. કેપ્ટન આયુષે 53 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. આ પાર્ટનરશીપએ જ ભારત માટે એક મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો.
મિડલ ઓર્ડરનું પ્રદાન
વૈભવના આઉટ થયા પછી પણ ભારતીય બેટર્સ અટક્યા ન હતા. અભિજ્ઞાન કુંડુએ 40 રન, વેદાંત ત્રિવેદીએ 32 રન અને વિહાન મલ્હોત્રાએ 30 રન બનાવ્યા. અંતિમ ઓવરોમાં કનિષ્ક ચૌહાણે માત્ર 20 બોલમાં 37 રનની નોટઆઉટ ઈનિંગ રમીને ભારતનો સ્કોર 400 ને પાર પહોંચાડ્યો હતો. છેલ્લી ઓવરમાં ભારતે 18 રન ફટકાર્યા હતા.
ઇંગ્લેન્ડની બોલિંગ
ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ મિન્ટો સૌથી સફળ બોલર રહ્યો હતો, તેને 3 વિકેટ ઝડપી હતી. જોકે, તે પણ ભારતીય બેટર્સ પર અંકુશ મેળવી શક્યો ન હતો. સેબેસ્ટિયન મોર્ગન અને એલેક્સ ગ્રીનને 2-2 વિકેટ મળી હતી. ટુર્નામેન્ટના ટોપ વિકેટ ટેકર મેની લુમ્સડેને 1 વિકેટ ઝડપી હતી, પરંતુ તેને 10 ઓવરમાં ઘણા રન ખર્ચવા પડ્યા હતા.
નવો વર્લ્ડ રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે U19 વર્લ્ડ કપની એક એડિશનમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બની ગયો છે. તેને 2026 ની આ ટુર્નામેન્ટમાં કુલ 20 સિક્સર ફટકારીને સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસનો 18 સિક્સરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.




















