Home Gujarat Two People Were Booked For Stealing Petrol Diesel From Tanker

ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરીનું કૌભાંડ : ડ્રાઈવર, હોટલ માલિકની ધરપકડ

ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરીનું કૌભાંડ
Published by: OBS Bureau
Last Updated: Apr 18, 2025, 06:29 PM IST

અમદાવાદના નરોડા પોલીસે ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરનાર ડ્રાઇવરને ઝડપી લીધો હતો. ડ્રાઇવરે ચોરીનો જથ્થો હોટલના માલિકને આપતો હોવાની કેફિયત આપતા પોલીસે હોટલના માલિકની પણ ધરપકડ કરી છે. આ મામલે નરોડા પોલીસે 350 લીટર પેટ્રોલ, 40 લીટર ડીઝલ સહિત 26.06 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી છે.

નરોડા પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. ગોહિલે પોતાના સ્ટાફને વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવા સ્ટાફને સુચના આપી છે. ત્યારે ડી-સ્ટાફ PSI બી.એમ.જોગડાના સ્ટાફના દેવેન્દ્રસિંહ રતનસિંહને બાતમી મળી હતી કે, નરોડા રણાસણ ટોલનાકા પાછળ આવેલ શિવમ કાઠીયાવાડી હોટલની ખુલ્લી જગ્યામાં ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં ડીઝલ-પેટ્રોલની ચોરી ચાલી રહી છે. જેથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ત્યારબાદ ત્યાં રેડ કરી હતી. ત્યારે એક વ્યક્તિ ટેન્કરમાંથી મુખ્ય વાલ્વ ખોલી પેટ્રોલ ડિઝલના કેરબા ભરી રહ્યો હતો. જેથી પોલીસને તેને ઝડપી લઇ નામ પુછતા રામજીત રામશિજોર ગૌતમ હોવાનું જણાવ્યું હતું. તેની તપાસ કરતા બિલ મળ્યા હતા. જેમાં 17 એપ્રિલના રોજ ઇન્ડિયન ઓઇલે આ જથ્થો સપ્લાય કર્યો હતો અને તે જથ્થો સલાલના મહાકીલી ઓટો ફ્યુઅલ ખાતે લઇ જવાનો હતો.

આ અંગે રામજીતની કડકાઇથી પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ ચોરી કરી શિવમ કાઠિયાવાડી હોટલના માલીક કિરીટસિંહ ધીરુભાઇ વનારને આપે છે અને તેઓ જથ્થો હોટલના પાછળના ભાગે રાખે છે. જેથી પોલીસે ત્યાં તપાસ કરતા વધુ 10 કેરબા ભરેલા મળી આવ્યા હતા. બાદમાં પોલીસે કિરીટસિંહની પુછપરછ કરતા તણે જણાવ્યું હતું કે, તે ઓછા ભાવે પેટ્રોલ ડીઝલ લઇ વધુ ભાવે બીજા લોકોને વેચી દે છે. પોલીસે આ મામલે હોટલ માલિક અને ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી 350 લિટર પેટ્રોલ અને 40 લિટર ડિઝલનો જથ્થો, ટેન્કર સહિત 26.06 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે વધુ તપાસ આદરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now