Home Gujarat Two Minor Sisters Ra In Talala Gir Samonath

ગીર સમોનાથના તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ : પહેલા પ્રેમજાળમાં ફસાવી, પછી વીડિયો વાયરલની ધમકી, બે આરોપી ઝડપાયા

ગીર સમોનાથના તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 11:25 AM IST

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં બે સગીર બહેનો પર દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે. આરોપીઓએ લોભ-લાલચ આપી સગીર બહેનોને પ્રેમજાળમાં ફસાવી તેમના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, ઘટનાની તસ્વીરો વાયરલ કરવાની ધમકી આપી તેમને ડરાવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

આરોપીઓ જંગલમાં છૂપાઈ ગયા હતાં

પીડિતાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જ તાલાલા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને જંગલ વિસ્તારમાં છુપાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ પોતાનાં મોબાઈલ ફોન પણ બંધ કરી દીધા હતા જેથી પોલીસ સુધી કોઈ સંકેત ન પહોંચે.

બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા

આ ગંભીર કેસને ધ્યાનમાં રાખીને પોલીસે જંગલ વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી. અંતે જંગલ વિસ્તારમાંથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં એક સગીર અને એક પુખ્ત વયનો શખ્સ સામેલ છે. પુખ્ત આરોપીની ઓળખ પરેશ ઉર્ફે કાળિયો માનભાઈ પરમાર તરીકે થઈ છે.

લોકોમાં ભારે રોષ

પકડ દરમિયાન એક આરોપી લંગડાતો હોવા છતાં ભાગવાનો પ્રયાસ કરતો હતો, જેને બે મહિલા કોન્સ્ટેબલોએ પકડી પોલીસ કસ્ટડીમાં લાવ્યો હતો. આ સમગ્ર ઓપરેશન PI એ.બી. ગોહિલના નેતૃત્વમાં પોલીસ ટીમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. હાલ બંને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને તાલાલા અને આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now