Home Gujarat Two Masterminds Arrested From Ahmedabad In Cyber Fraud Worth Rs 3941 Crore Committed More Than 59 Cyber Frauds In More Than 15 States

39.41 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ : અમદાવાદથી બે સૂત્રધાર ઝડપાયા, 15થી વધુ રાજ્યોમાં કર્યા 59થી વધુ સાયબર ફ્રોડ

39.41 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 11:15 AM IST

વર્તમાન સમયમાં ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે સાયબર ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ મહાનિદેશક (સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ) ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક રોહન આનંદ દ્વારા કડક અને સઘન કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશોના અનુસંધાને પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરો જી.બી. ડોડીયા, પી.ડી. મકવાણા, એચ.જે. પરમાર અને પી.એસ.આઈ. એચ.જી. દેવમણીની ટીમે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલીસીસની મદદથી અમદાવાદ ખાતેથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓની વિગત, 16 રાજ્યોમાં 59 ફરિયાદો

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, આ રેકેટમાં અંદાજે રૂ.39,41,26,382/- જેટલી માતબર રકમની છેતરપિંડી સંકળાયેલી છે. પકડાયેલા આરોપીઓની વિગતો મુજબ, અમિત મહેન્દ્રભાઇ ગંગેરા (ઉં.વ. 38) જે વિંઝોલ, અમદાવાદના રહેવાસી છે અને હેર સલુન ચલાવે છે. તેમની સાથે રીતેશકુમાર ભોગીલાલ પટેલ (ઉં.વ. 42) પણ ઝડપાયો છે, જે વ્યવસાયે સ્ટેશનરીનો વેપારી છે. આરોપીઓના મોબાઈલ ફોન તપાસતા અન્ય 11 બેંક એકાઉન્ટની વિગતો મળી આવી હતી. આ વિગતોને સાયબરક્રાઇમ પોર્ટલ પર ચકાસતા જાણવા મળ્યું કે, આ ટોળકીએ દેશના વિવિધ 16 રાજ્યોમાં કુલ 59 સાયબર ફરિયાદોમાં સંડોવાયેલી છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 13, કર્ણાટકમાં 10 અને હરિયાણામાં 5 ફરિયાદો નોંધાયેલી છે.

આ રીતે આચરતા હતા છેતરપિંડી (Modus Operandi)

આ ગુનેગારોની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. તેઓ આર્થિક ભીંસમાં રહેલા વેપારીઓને લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ભાડે મેળવતા હતા અને તેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરતા હતા. આ આરોપીઓ ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ સંબંધિત છેતરપિંડી, ટ્રેડિંગ ફ્રોડ અને પાર્ટ-ટાઇમ જોબ ફ્રોડ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોને છેતરતા હતા. ધરપકડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 3 નંગ મોબાઈલ ફોન અને રૂ.5 લાખની રોકડ રકમ કબજે કરવામાં આવી છે.

દેશવ્યાપી જાળ: 16 રાજ્યોમાં ૫૯ ફરિયાદો

સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા જાહેર જનતાને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે, કોઈ પણ અજાણી વ્યક્તિની લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ કે ચેકબુક ભાડે આપવા નહીં. જો આસપાસ કોઈ વ્યક્તિ બેંક ખાતા કે સીમકાર્ડ ભાડે માંગતા હોય તો તુરંત પોલીસને જાણ કરવી. સોશિયલ મીડિયા પર મળતી ટૂંકા ગાળામાં વધુ નફો કમાવી આપવાની લાલચ આપતી જાહેરાતો પર વિશ્વાસ ન કરવો. સૌથી અગત્યનું એ છે કે, જો કોઈ પણ સાયબર ગુનો બને, તો તુરંત 'ગોલ્ડન અવર' એટલે કે પ્રથમ એક કલાકમાં સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો, જેથી નાણાં બચાવવાની શક્યતા 50% વધી જાય છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now