Home Gujarat Two Cities From Gujarat Found A Place In The Top 10 Fastest Growing Cities In The World

ગ્લોબલ ઇકોનોમિક મેપ પર ગુજરાતનો દબદબો! : વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ટોપ-10 શહેરોમાં ગુજરાતના બે શહેરોને મળ્યું સ્થાન

ગ્લોબલ ઇકોનોમિક મેપ પર ગુજરાતનો દબદબો!
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 08:31 AM IST

Global Economic Map : ગુજરાત હંમેશા ભારતનું 'ગ્રોથ એન્જિન' રહ્યું છે, પરંતુ હવે તે વૈશ્વિક સ્તરે પોતાની તાકાત બતાવી રહ્યું છે. ભારત સરકારના તાજેતરના આર્થિક સર્વેક્ષણ અને ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના રિપોર્ટ અનુસાર, વર્ષ 2019 થી 2035 દરમિયાન વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ટોપ-10 શહેરોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં ગુજરાતના બે મુખ્ય શહેરો, સુરત અને રાજકોટ, વિશ્વના માંધાતા શહેરોને પછાડીને ટોચના સ્થાને બિરાજમાન થયા છે.

સુરત: વિશ્વનું નંબર 1 ગ્રોથ સેન્ટર

કેન્દ્ર સરકારના આર્થિક સમીક્ષા રિપોર્ટ મુજબ, સુરત અત્યારે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર બની ગયું છે. સુરતનો વાર્ષિક વિકાસ દર (Annual Growth Rate) 9.17% રહેવાનો અંદાજ છે. વર્ષ 2018 માં સુરતની જીડીપી (GDP) આશરે ₹2,61,977 કરોડ હતી, જે 2035 સુધીમાં વધીને ₹11,65,480 કરોડ (126.8 બિલિયન ડોલર) થવાની શક્યતા છે. હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું આ શહેર હવે આધુનિક મેન્યુફેક્ચરિંગમાં પણ અવ્વલ આવી રહ્યું છે.

રાજકોટ: એન્જિનિયરિંગ હબનો ઉદય

સૌરાષ્ટ્રનું આર્થિક કેન્દ્ર ગણાતું રાજકોટ આ વૈશ્વિક લિસ્ટમાં 7 માં ક્રમે છે. રાજકોટનો વાર્ષિક વિકાસ દર 8.33% રહેવાની ધારણા છે. 2018 માં જેની જીડીપી GDP ₹62,503 કરોડ હતી, તે 2035 સુધીમાં વધીને ₹2,45,434 કરોડ (26.7 બિલિયન ડોલર) સુધી પહોંચશે. એન્જિનિયરિંગ ઉદ્યોગ, નવીનતા અને શાનદાર કનેક્ટિવિટીના કારણે રાજકોટ રોકાણકારો માટે હોટસ્પોટ બની રહ્યું છે.

શહેરીકરણ અને ઉત્પાદકતાનો સંબંધ

રિપોર્ટમાં એક મહત્વની બાબત સામે આવી છે કે, જ્યારે કોઈ શહેરનું કદ બમણું થાય છે, ત્યારે તેની ઉત્પાદકતામાં 12% નો વધારો થાય છે. ગુજરાતના આ શહેરો હવે માત્ર રહેઠાણના સ્થળો નથી રહ્યા, પરંતુ મજબૂત 'ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર' તરીકે ઉભરી આવ્યા છે. આ વિકાસ ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવામાં મોટો ફાળો આપશે.

વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકાસ પામી રહેલા ભારતના ટોપ-10 શહેરોનું લિસ્ટ

ક્રમ

શહેર

વાર્ષિક વૃદ્ધિ દર (%)

રાજ્ય

1

સુરત

9.17

ગુજરાત

2

આગ્રા

8.58

ઉત્તર પ્રદેશ

3

બેંગલુરુ

8.50

કર્ણાટક

4

હૈદરાબાદ

8.47

તેલંગાણા

5

નાગપુર

8.41

મહારાષ્ટ્ર

6

તિરુપૂર

8.36

તમિલનાડુ

7

રાજકોટ

8.33

ગુજરાત

8

તિરુચિરાપલ્લી

8.29

તમિલનાડુ

9

ચેન્નાઈ

8.17

તમિલનાડુ

10

વિજયવાડા

8.16

આંધ્રપ્રદેશ

ભવિષ્યની આર્થિક દિશા

આગામી દાયકાઓમાં અમદાવાદ અને વડોદરાની સાથે સુરત અને રાજકોટ પણ ગુજરાતના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઓળખાશે. વિશ્વના રોકાણકારો માટે આ શહેરોમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ તકો ઊભી થઈ રહી છે. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગો માટેના સાનુકૂળ વાતાવરણને કારણે ગુજરાત ગ્લોબલ ઇકોનોમિક મેપ પર છવાયેલું રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now