Home Gujarat Two Brothers Injured In Iron Pipe Attack Over Petty Dispute

નજીવી બાબતે થયો ઝઘડો : લોખંડના પાઈપથી હુમલામાં બે ભાઈ ઈજાગ્રસ્ત

નજીવી બાબતે થયો ઝઘડો
Published by: OBS Bureau
Last Updated: May 27, 2025, 06:15 PM IST

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં લગ્નના અવસરે ઘરમાં મંડપ અને સ્ટેજ બાંધવામાં આવ્યા હતાં. જોકે, આ મંડપના કારણે આસપાસના રહેવાસીઓના ઘરના પ્રવેશદ્વાર પર અવરોધ સર્જાતા રિક્ષાચાલક અને તેના ભાઈને પોતાનો માર્ગ ખોલાવાની વાત કરતાં ઝઘડો થયો અને એ ઝઘડો હિંસક બનતાં બન્ને ભાઈઓને લોખંડના પાઈપથી માર મારવામાં આવ્યો. આ ઘટનાની ફરિયાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મેઘાણીનગરના રહેવાસી 41 વર્ષીય હરીસિંગ ભદોરીયા રિક્ષા ચલાવે છે. તેઓ તેમના મોટા ભાઈ રાજકુમારસિંહ સાથે રહે છે. ગત દિવસે હરીસિંગ બપોરે રિક્ષા લઇ ઘરે પરત ફર્યા હતા, ત્યારે ધર્મેશ પટણીના ઘરે લગ્ન હોવાથી તેમના ઘરની બહાર મંડપ અને સ્ટેજ બાંધવામાં આવ્યા હતા. આ કારણે હરીસિંગના ઘરની આગળ જવાનો રસ્તો બંધ થયો હતો. રિક્ષા આગળ મુકી હરીસિંગ અંદર જમવા ગયા, બાદમાં તેમના ભાઈ રાજકુમારસિંહે ધર્મેશને બોલાવી રસ્તો ખુલ્લો રાખવા સમજાવ્યું.

જણાવ્યા મુજબ, વાતચીત દરમિયાન ધર્મેશે વાંધો વ્યક્ત કરતાં વાદવિવાદ શરૂ થયો અને થોડા જ સમયમાં ધર્મેશના પરિવારજનો પણ ત્યાં આવી ગયા. તેઓએ ગાળાગાળી શરૂ કરી અને લોખંડના પાઇપથી બંને ભાઈઓ પર હુમલો કર્યો. હુમલામાં રાજકુમારસિંહને ગંભીર ઇજા થઈ હતી અને હરીસિંગના હાથ તથા માથા પર પણ ઇજા પહોંચી હતી.

ઘટનાના સમયે શોર મચતા પડોશીઓએ દોડી આવી જમાવટ કરી અને પીડિતોને છુટકારો આપ્યો. હુમલાખોરોએ ધમકી આપી કે, “આગળથી અમારા કામમાં દખલગાર થશો તો જાનથી મારી નાંખીશું.” બાદમાં બંને ઇજાગ્રસ્ત ભાઈઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

હરીસિંગ ભદોરીયાએ ધર્મેશ પટણી સહિત ચાર શખ્સો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હવે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now