Home Gujarat Two Absconding Accused Arrested For Embezzling Crores Of Rupees In Vadodara

વડોદરામાં કરોડો રૂપિયાનું ચૂનો ચોપડનાર ફરાર આરોપી ઝડપાયા : સસ્તુ સોનુ આપવાના બહાને આચરી હતી છેતરપિંડી, આરોપી દબોચાયા

વડોદરામાં કરોડો રૂપિયાનું ચૂનો ચોપડનાર ફરાર આરોપી ઝડપાયા
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 11:36 AM IST

Vadodara Crime News : સસ્તુ સોનુ અપાવવાની અને લોન અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ચૂનોચોપડનાર બે ફરાર આરોપીઓને વડોદરા શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. આ કેસમાં કુલ ચાર કરોડથી વધુ રકમની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

સસ્તુ સોનુ આપવાના બહાને છેતરપિંડી

વિગતવાર માહિતી મુજબ, વડોદરા શહેરના જેપી રોડ પોલીસ મથકમાં સસ્તુ સોનુ અપાવવા તેમજ લોન અપાવવાના બહાને મોટી રકમની છેતરપિંડી થવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં અગાઉ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હતા. હવે ક્રાઈમ બ્રાન્ચે આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

4 કરોડ 61 લાખ 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા

વડોદરા શહેરના ગેંડા સર્કલ નજીક આવેલા એટલાન્ટિક હાઈટ્સમાં આવેલી રાધે એન્ટરપ્રાઇઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાઇનાન્સના સંચાલક રાજવીર, તેના ભાગીદાર વિશાલ બારડ અને નયના મહીડાએ ફરિયાદીને ઓછા ભાવે સોનું અપાવવાની અને લોન અપાવવાની લાલચ આપી કુલ 4 કરોડ 61 લાખ 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં ફરિયાદીને છેતરપિંડી થયાનું ભાન થતાં તેમણે જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીની ધરપકડ

ફરિયાદના આધારે પોલીસે અગાઉ રાજવીર અને ઇલ્યાસ ઉર્ફે વીકી અજમેરીની ધરપકડ કરી હતી. જ્યારે આ જ ગુનામાં સંડોવાયેલા નયનાબેન મનહરસિંહ મહીડા અને ભાવેશ નરવરસિંહ પરમાર ફરાર હતા. જોકે, હવે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી વધુ તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હવે સમગ્ર છેતરપિંડીના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now