મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી ગંભીર બનતો દેખાઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહી કરવાની સંભાવનાને નકારી નથી. બીજી તરફ યુનાઇટેડ આરબ અમીરાત (UAE)એ દાવો કર્યો છે કે છેલ્લા 48 કલાકમાં તેણે 6 શંકાસ્પદ ડ્રોનને ઠાર કર્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે સમગ્ર વિશ્વની નજર હવે અમેરિકા-ઈરાન સંબંધો અને મધ્યપૂર્વની સુરક્ષા પર ટકી છે.
ટ્રમ્પનું મોટું નિવેદન, ‘ફરી હુમલો કરવો પડી શકે’
મંગળવારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે અમેરિકા ઈરાન સામે ફરી હુમલો કરવા કેટલું નજીક હતું? જવાબમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકા “માત્ર એક કલાકના અંતરે” હતું. તેમણે જણાવ્યું કે અંતિમ ક્ષણે તેમને ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે “સર, થોડો સમય રોકાઈએ, અમે ડીલની ખૂબ નજીક છીએ.” પરંતુ ટ્રમ્પે સાથે જ ચેતવણી પણ આપી કે તેઓ એ કહી શકતા નથી કે ઈરાન સામે ફરી હુમલો નહીં થાય. તેમના શબ્દોમાં, “અમે ઈરાનને ફરી મોટો ઝટકો આપવો પડી શકે.” ટ્રમ્પના આ નિવેદન બાદ મધ્યપૂર્વમાં ફરી અનિશ્ચિતતા અને તણાવનો માહોલ સર્જાયો છે.
ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકાની ચિંતા
ટ્રમ્પે ખાસ કરીને ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે પરમાણુ મુદ્દાનું સમાધાન સૌથી મહત્વપૂર્ણ છે. અમેરિકાનો લાંબા સમયથી આરોપ રહ્યો છે કે ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે નહીં પરંતુ સૈન્ય શક્તિ વધારવા માટે ઉપયોગમાં લઈ શકે છે. જોકે ઈરાન હંમેશા આ આરોપોને નકારી રહ્યું છે. ટ્રમ્પે સંકેત આપ્યો કે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં અથવા આવતા અઠવાડિયાની શરૂઆતમાં બંને દેશો વચ્ચે ફરી ચર્ચા શક્ય છે. વિશ્લેષકો માને છે કે ટ્રમ્પનું નિવેદન એક તરફ દબાણની રણનીતિ છે તો બીજી તરફ ઈરાનને ચર્ચા માટે તૈયાર કરવાની કોશિશ પણ હોઈ શકે છે.
ઈરાને અમેરિકાને મોકલ્યો નવો શાંતિ પ્રસ્તાવ
તાજેતરમાં ઈરાને અમેરિકાને નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ પ્રસ્તાવમાં યુદ્ધથી થયેલા નુકસાનની ભરપાઈ અને અમેરિકી સૈનિકોની પાછી ખેંચણી જેવા મુદ્દાઓ સામેલ હોવાનું કહેવાય છે.
તેહરાનના પ્રસ્તાવમાં લેબનાન સહિતના તમામ મોરચાઓ પર દુશ્મની ખતમ કરવાની વાત પણ છે. સાથે જ ઈરાને પોતાના નજીકના વિસ્તારોમાંથી અમેરિકી સેનાની હાજરી ઘટાડવાની માંગ કરી છે. અહેવાલો મુજબ, ઈરાને અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષથી થયેલા નુકસાનની ભરપાઈનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. આ પ્રસ્તાવથી સ્પષ્ટ થાય છે કે એક તરફ તણાવ ચાલુ છે, પરંતુ બીજી તરફ રાજદ્વારી માર્ગથી ઉકેલ શોધવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે.
UAEનો મોટો દાવો, 48 કલાકમાં 6 ડ્રોન ઠાર
આ દરમિયાન યુનાઇટેડ આરબ અમીરાતે સુરક્ષા મામલે મોટો દાવો કર્યો છે. UAEના રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 48 કલાકમાં 6 ડ્રોનને ઠાર કરવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, આમાંથી 3 ડ્રોન રવિવારે હુમલાની તૈયારીમાં હતા, પરંતુ સુરક્ષા દળોએ સમયસર કાર્યવાહી કરીને તેમને નષ્ટ કરી દીધા. હાલ સુધી UAEએ સ્પષ્ટ કર્યું નથી કે આ ડ્રોન કયા જૂથ અથવા દેશ સાથે જોડાયેલા હતા. પરંતુ મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવને જોતા આ ઘટનાને ગંભીર માનવામાં આવી રહી છે. સુરક્ષા નિષ્ણાતો માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રોન યુદ્ધ અને પ્રોક્સી હુમલાઓ મધ્યપૂર્વના સંઘર્ષમાં મહત્વપૂર્ણ હથિયાર બની ગયા છે.
મધ્યપૂર્વમાં વધતી અશાંતિથી વૈશ્વિક ચિંતા
અમેરિકા, ઈરાન, ઈઝરાયેલ અને ગલ્ફ દેશો વચ્ચે વધી રહેલા તણાવથી સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય ચિંતિત છે. મધ્યપૂર્વ વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ વિસ્તાર છે. અહીં કોઈ મોટો સૈન્ય સંઘર્ષ ઊભો થાય તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર, તેલના ભાવ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પડી શકે છે. વિશ્લેષકોનું કહેવું છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી સીધી સૈન્ય કાર્યવાહી થાય તો સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા વધી શકે છે. ખાસ કરીને ડ્રોન હુમલા, પ્રોક્સી સંગઠનો અને સમુદ્રી માર્ગોની સુરક્ષા જેવા મુદ્દાઓ હવે વધુ સંવેદનશીલ બન્યા છે.






