Trump Tariffs Impact: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય આયાત પર વધારાના 25% ટેરિફ લગાવવા માટે સત્તાવાર નોટિસ જાહેર કરી છે, જે મુજબ 27 ઓગસ્ટની મધ્યરાત્રિથી ભારતે 50% ટેરિફ ચૂકવવો પડશે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ભારત પર આ ટેરિફ રશિયા દ્વારા અમેરિકાને આપવામાં આવી રહેલી ધમકીઓના જવાબમાં લગાવાયો છે. આદેશ પરથી સ્પષ્ટ છે કે રશિયાને જવાબ આપવા માટે ભારતને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.
ટેરિફ પર ભારતની તીખી પ્રતિક્રિયા
ટ્રમ્પ ટેરિફ પર પ્રતિક્રિયા આપતા ભારતના વડાપ્રધાન મોદીએ ગુજરાતના અમદાવાદમાં એક રેલી દરમિયાન જાહેરાત કરી કે, "અમેરિકા તરફથી જેટલું પણ આર્થિક દબાણ આવશે, અમે તેને સહન કરવાની શક્તિ વધારતા રહીશું. રશિયા પર દબાણ લાવવા માટે અમેરિકાએ ટેરિફ લગાવીને ભારત પર આર્થિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારત આ દબાણ સામે ઝૂકશે નહીં. રશિયા પાસેથી તેલ અને હથિયારો ખરીદવા એ ભારતની ઊર્જા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી છે. ભારત આ ખરીદીમાંથી પીછેહઠ કરશે નહીં."
ભારતની અર્થવ્યવસ્થા પર પડશે અસર
નોંધનીય છે કે અમેરિકાના આ 50% ટેરિફની અસર ભારતની અર્થવ્યવસ્થા અને GDP પર પડશે. આ ટેરિફ ભારતીય અર્થતંત્રને મોટો ઝટકો આપી શકે છે, કારણ કે ભારત દ્વારા દર વર્ષે લગભગ 80 અબજ ડોલરની નિકાસ અમેરિકાને કરવામાં આવે છે. આ નિકાસ ભારતની કુલ નિકાસનો 18% અને કુલ GDPનો 2.5% હિસ્સો છે. 50% ટેરિફ લાગવાથી નિકાસમાં લગભગ 50%નો ઘટાડો થઈ શકે છે, જ્યારે GDPમાં 0.4% સુધીનો ઘટાડો થઈ શકે છે.
નોકરીઓ જશે અને બેરોજગારી વધશે
નાણાકીય વર્ષ 2026માં ભારતનો વિકાસ દર 6%થી નીચે આવી શકે છે. રૂપિયો નબળો પડી શકે છે અને ખાનગી ક્ષેત્રમાં રોકાણ ઘટી શકે છે. આનો ઘરેલું ઉત્પાદન પર પણ અસર થશે, જેના કારણે અબજો ડોલરનું નુકસાન થશે. ફાર્માસ્યુટિકલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ ટેરિફના દાયરામાં નથી, પરંતુ આ 50% ટેરિફની સૌથી વધુ અસર શ્રમ-આધારિત (labor-intensive) ક્ષેત્રો પર પડશે, જ્યાં લાખો લોકોની નોકરીઓ પર સંકટ આવશે, જેનાથી ભારતમાં બેરોજગારી વધી શકે છે.
ટેરિફથી પ્રભાવિત થનાર ભારતના મુખ્ય ક્ષેત્રો
ટેક્સટાઈલ અને અપેરલ સેક્ટર:
10થી 15 અબજ ડોલરની નિકાસ પ્રભાવિત થશે. આ ક્ષેત્રોના ઓર્ડર વિયેતનામ, ઇન્ડોનેશિયા જેવા નાના દેશો તરફ વળી શકે છે, જેનાથી સ્પર્ધામાં ઘટાડો થશે. લાખો લોકોની નોકરીઓ અને રોજગાર પર અસર પડશે.
જેમ્સ અને જ્વેલરી સેક્ટર:
9થી 10 અબજ ડોલરની નિકાસ પ્રભાવિત થશે. શિપમેન્ટ અટકવાથી લાખો કારીગરોની નોકરી દાવ પર લાગી શકે છે. જોકે, ભારતની દુબઈ અને મેક્સિકોમાં નવી યુનિટ્સ ખોલવાની યોજના છે, પરંતુ આ પ્રક્રિયામાં હજુ સમય લાગશે.
ઓટો પાર્ટ્સ ઇન્ડસ્ટ્રી:
7 અબજ ડોલરની નિકાસ પ્રભાવિત થશે. આ ક્ષેત્રમાં ઓટો પાર્ટ્સની કિંમતોમાં સ્પર્ધાત્મકતા ઓછી થવાથી હજારો લોકોની નોકરી દાવ પર લાગી શકે છે. ખાસ કરીને કાર, ટ્રક અને ટ્રેક્ટર પાર્ટ્સની ઇન્ડસ્ટ્રી પર અસર થશે.
સી-ફૂડ સેક્ટર:
2થી 3 અબજ ડોલર (લગભગ 24,000 કરોડ)ની નિકાસ ટેરિફથી પ્રભાવિત થશે. ઓર્ડર રદ્દ થઈ શકે છે, જેનાથી લાખો મજૂરો અને ખેડૂતોને નુકસાન થશે, જ્યારે ઇક્વાડોર અને વિયેતનામ જેવા પ્રતિસ્પર્ધીઓને ફાયદો થઈ શકે છે.
કાર્પેટ મેકિંગ સેક્ટર:
60% નિકાસ પ્રભાવિત થશે, જેનાથી લગભગ 25 લાખ લોકો અસરગ્રસ્ત થશે. આ ઉપરાંત, લેધર, કેમિકલ્સ અને મિકેનિકલ મશીનરીની નિકાસમાં ઘટાડો થવાથી લાખો લોકોનો રોજગાર પ્રભાવિત થશે.






