New Corona Variant Alert: અમેરિકામાં કોવિડના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય વિશ્વના અન્ય 20 થી વધુ દેશોમાં પણ કેસ વધી રહ્યા છે. કોવિડના જૂના વેરિઅન્ટ SARS-CoV-2 BA.3.2 ના કેસ વધવાને કારણે દુનિયાભરમાં આ વાયરસ ફરીથી ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આ વેરિઅન્ટના કેસ સતત વધી રહ્યા છે. અમેરિકાની સીડીસી (CDC) મુજબ, આ વેરિઅન્ટ ધીરે-ધીરે પોતાનો પગપેસારો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું અન્ય દેશોમાં પણ કોવિડ ફરી માથું ઊંચકશે? શું ફરીથી માસ્કનો યુગ પાછો આવશે? ચાલો નિષ્ણાતો પાસેથી આ વિશે જાણીએ.
શું છે BA.3.2 વેરિઅન્ટ?
કોવિડનો SARS-CoV-2 BA.3.2 વેરિઅન્ટ સાવ નવો નથી. વર્ષ 2024 માં દક્ષિણ આફ્રિકામાં આ વેરિઅન્ટના અનેક કેસ નોંધાયા હતા. પરંતુ હવે તે અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિઅન્ટના સ્પાઈક પ્રોટીન પર અંદાજે 75 મ્યુટેશન જોવા મળ્યા છે. આનો અર્થ એ છે કે આ વેરિઅન્ટ ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે, જેના કારણે તે ફરીથી સક્રિય થયો છે. સતત થતા ફેરફારોને લીધે તે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immune System) ને છેતરી શકે છે.
શું ફરીથી માસ્ક પહેરવા પડશે?
રોગચાળાના નિષ્ણાત ડૉ. જુગલ કિશોર જણાવે છે કે હાલમાં ભારતમાં આ નવા વેરિઅન્ટનો કોઈ કેસ નથી. ભારતમાં મોટાભાગના લોકો રસીકરણ કરાવી ચૂક્યા છે, તેથી કોવિડના ગંભીર લક્ષણોની શક્યતા ઓછી છે. આ વેરિઅન્ટના લક્ષણો પણ હળવા છે, તેથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. ડૉ. જુગલ કિશોરે જણાવ્યું હતું કે હાલમાં માસ્ક અંગે કોઈ ફરજિયાત માર્ગદર્શિકા નથી, પરંતુ ભીડભાડવાળા વિસ્તારો, હોસ્પિટલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવામાં કોઈ નુકસાન નથી. આનાથી તમે અન્ય બીમારીઓથી પણ બચી શકો છો."
શું ફરીથી રસી લેવાની જરૂર પડશે?
ડૉ. કિશોરના મતે, દુનિયાભરમાં મોટા પાયે રસીકરણ થઈ ચૂક્યું છે. રસી લીધા પછી કોવિડના ગંભીર લક્ષણો આવવાનું જોખમ ઘટી જાય છે. આ વેરિઅન્ટ નવો ન હોવાથી ફરીથી બૂસ્ટર ડોઝની જરૂર પડશે જ એવું અત્યારે કહી શકાય નહીં. રસી કદાચ ચેપને સંપૂર્ણપણે અટકાવી ન શકે, પરંતુ તે દર્દીને ગંભીર સ્થિતિમાં પહોંચતા ચોક્કસ બચાવશે.





