વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નવો મેડિકલ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં તેમના સ્વાસ્થ્યને લઈને મહત્વના ખુલાસા થયા છે. આગામી 14 જૂનના રોજ 80 વર્ષના થનારા ટ્રમ્પનું સ્વાસ્થ્ય ઉત્તમ હોવાનું અને તેઓ રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારીઓ નિભાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ વયે પણ તેમની શારીરિક અને માનસિક ક્ષમતાને લઈને ડોક્ટરોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
આ મેડિકલ તપાસ વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાં કરવામાં આવી હતી, જેમાં 22 નિષ્ણાત ડોક્ટરોની ટીમે ટ્રમ્પના સીટી સ્કેન, હાર્ટ ઇમેજિંગ અને કેન્સર સ્ક્રીનિંગ સહિતના વ્યાપક પરીક્ષણો કર્યા હતા. રિપોર્ટ મુજબ, ટ્રમ્પનું કાર્ડિયાક, ફેફસાં અને ન્યુરોલોજીકલ સ્વાસ્થ્ય મજબૂત છે. ખાસ કરીને તેમના ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના આધારે ડોક્ટરોએ દાવો કર્યો છે કે તેમના હૃદયની વાસ્તવિક ઉંમર (કાર્ડિયાક એજ) તેમની વાસ્તવિક ઉંમર કરતાં 14 વર્ષ ઓછી છે.
દવાઓ અને સ્વાસ્થ્ય સલાહ
મેડિકલ રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાલમાં કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત સમસ્યાઓ માટે ત્રણ દવાઓ લઈ રહ્યા છે. જેમાં કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવા માટે ‘રોસુવાસ્ટેટિન’ અને ‘એઝેટિમિબ’ તથા હૃદય સંબંધિત સુરક્ષા માટે લો-ડોઝ ‘એસ્પિરિન’નો સમાવેશ થાય છે. ડોક્ટર શોન પી. બારબાબેલાએ સલાહ આપી છે કે ટ્રમ્પે તેમના વજનમાં ઘટાડો કરવો જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી માટે હેલ્ધી ડાયટ તથા શારીરિક પ્રવૃત્તિઓ વધારવી જોઈએ. હાલમાં તેમનું વજન 108 કિલો નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ થોડું વધારે છે.

હાથ પરના નિશાન અને પગમાં સોજા અંગે સ્પષ્ટતા
ટ્રમ્પના હાથ પર દેખાતા નિશાન અને પગના નીચેના ભાગમાં રહેલા સોજા અંગે અવારનવાર ચર્ચાઓ થતી રહી છે. મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાથ પરના નિશાન એસ્પિરિનના સેવન અને લોકો સાથે સતત હાથ મિલાવવાને કારણે છે. પગમાં રહેલા સોજા અંગે વ્હાઇટ હાઉસે અગાઉ ‘ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી’ (ઉંમર સંબંધિત બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા) હોવાનું જણાવ્યું હતું, જોકે રિપોર્ટ મુજબ તેમાં ગત વર્ષ કરતા સુધારો જોવા મળ્યો છે.
વૃદ્ધાવસ્થા અને કાર્યક્ષમતા પર વિવાદોનો અંત?
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી ઇતિહાસમાં સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિઓમાંના એક છે, જેને લઈને વિપક્ષ અને કેટલાક તબીબી નિષ્ણાતો તેમના સ્વાસ્થ્ય પર સવાલો ઉઠાવતા રહ્યા છે. જોકે, ટ્રમ્પ પોતે હંમેશા પોતાની ઉર્જા અને સ્ટેમિનાને પોતાની મોટી તાકાત ગણાવે છે. વ્હાઇટ હાઉસના ડોક્ટરોના મતે, રાષ્ટ્રપતિનું અત્યંત વ્યસ્ત શેડ્યૂલ, સતત મીટિંગ્સ અને સક્રિય જાહેર જીવન તેમના એકંદર સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. ટ્રમ્પે પોતે પણ આ મેડિકલ રિપોર્ટને ‘બિલકુલ પરફેક્ટ’ ગણાવ્યો છે, જોકે કેટલાક સ્વતંત્ર ડોક્ટરોએ 6 મહિનાના ગાળામાં આ પ્રકારના ફિઝિકલ ચેકઅપને અસામાન્ય ગણાવ્યું છે.





