Home International Trump Declares Iran Ceasefire Over Us Iran Tensions Hormuz Attacks

"ઈરાન સાથે સિઝફાયર ખતમ" : NATO સમિટમાં ટ્રમ્પે કર્યું સૌથી મોટું એલાન, વિશ્વમાં ફરી યુદ્ધનો ખતરો!

Trump Iran Ceasefire
Published by: Nirali Gohil
Last Updated: Jul 08, 2026, 10:50 AM IST

Trump Iran Ceasefire: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. હોર્મુઝ જળમાર્ગ વિસ્તારમાં વેપારી જહાજો પર થયેલા હુમલાઓ બાદ અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય લક્ષ્યો પર હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. તેના જવાબમાં ઈરાને બહેરિન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને મિસાઈલ અને ડ્રોનથી નિશાન બનાવ્યાનું જણાવાયું છે. આ વધતા સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે ઈરાન સાથેનો યુદ્ધવિરામ હવે તેમના મત મુજબ સમાપ્ત થઈ ગયો છે. ટ્રમ્પ હાલમાં તુર્કીના અંકારામાં યોજાયેલા નાટો શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. ત્યાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે ઈરાન સાથેની વાટાઘાટો હવે તેમને સમયનો બગાડ લાગે છે. જોકે તેમણે એ પણ કહ્યું કે અમેરિકાના પ્રતિનિધિઓ ઈરાન સાથે ચર્ચા ચાલુ રાખી શકે છે, પરંતુ તેઓને તેની સફળતા અંગે શંકા છે.

ટ્રમ્પનું નિવેદન વધાર્યું રાજદ્વારી તણાવ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ પર કડક શબ્દોમાં નિશાન સાધતા કહ્યું કે તેઓ હવે ઈરાન સાથે વધુ વ્યવહાર કરવા માંગતા નથી. તેમના નિવેદન બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી સંબંધોમાં વધુ તણાવ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમ છતાં, અમેરિકી વાટાઘાટકારો માટેનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી.

હોર્મુઝ વિસ્તારમાં હુમલાઓ બાદ સૈન્ય કાર્યવાહી તેજ

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા બાદ જવાબી કાર્યવાહી તરીકે ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, રડાર સ્ટેશન અને રિવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયેલા કેટલાક નૌકાદળના લક્ષ્યો પર હુમલા કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઈરાને દાવો કર્યો છે કે તેણે બહેરિન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. બંને પક્ષ તરફથી સૈન્ય કાર્યવાહીના દાવાઓ બાદ સમગ્ર મધ્યપૂર્વમાં સુરક્ષા ચિંતાઓ વધી છે.

ઈરાનનો કડક પ્રતિસાદ

ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલીબાફે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે દબાણ અને ધમકીથી ઈરાન ઝૂકશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશ પોતાના હિતોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં ભરશે. વૈશ્વિક બજારો પર પણ પડી અસર ટ્રમ્પના નિવેદન અને બંને દેશો વચ્ચે વધેલા સૈન્ય તણાવની અસર વૈશ્વિક ઊર્જા બજાર પર પણ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ અને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડના ભાવમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો, કારણ કે હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો: કતારથી ગુજરાત આવી રહેલા LNG જહાજ પર હુમલો : એન્જિન રૂમમાં આગથી મચી દહેશત

આગામી દિવસો રહેશે નિર્ણાયક

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી સૈન્ય કાર્યવાહીએ ફરી એકવાર સમગ્ર મધ્યપૂર્વને અસ્થિરતાની દિશામાં ધકેલી દીધું છે. હાલ બંને દેશો તરફથી આક્રમક નિવેદનો આવી રહ્યા છે, પરંતુ રાજદ્વારી વાતચીતની શક્યતા સંપૂર્ણપણે બંધ થઈ નથી. આગામી દિવસોમાં બંને દેશોનો અભિગમ અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીના પ્રયાસો આ સંકટને કઈ દિશામાં લઈ જાય છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now