Home National Pm Modi Indonesia Prambanan Shiva Temple History India Connection

મુસ્લિમ દેશમાં 1170 વર્ષ જૂનું ભવ્ય શિવ મંદિર! : PM મોદીએ કર્યા હતા દર્શન, જાણો ભારત સાથેનો ચોંકાવનારો સંબંધ

પ્રમ્બાનન શિવ મંદિરની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Jul 08, 2026, 03:30 AM IST

નવી દિલ્હી/જકાર્તા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના ઐતિહાસિક જાવા દ્વીપ પર આવેલા વિશ્વપ્રસિદ્ધ પ્રમ્બાનન શિવ મંદિરની મુલાકાત લીધી હતી. લગભગ 1170 વર્ષ જૂનું આ ભવ્ય હિંદુ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે અને દક્ષિણ-પૂર્વ એશિયાના સૌથી વિશાળ અને ભવ્ય હિંદુ મંદિર સંકુલોમાંનું એક માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે, મુસ્લિમ બહુમતી ધરાવતા ઈન્ડોનેશિયામાં આવેલું આ મંદિર માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક સંબંધોનું જીવંત પ્રતિક પણ છે. ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે સાંસ્કૃતિક સહયોગને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશો આ ઐતિહાસિક મંદિરના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે પણ સાથે મળીને કામગીરી કરશે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત રાજદ્વારી સંબંધો ઉપરાંત સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ઈન્ડોનેશિયામાં 20 હજારથી વધુ હિંદુ મંદિરો

ઈન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, છતાં અહીં હિંદુ સંસ્કૃતિના અનેક ઐતિહાસિક અવશેષો આજે પણ જોવા મળે છે. દેશમાં નાના-મોટા મળીને 20 હજારથી વધુ હિંદુ મંદિરો આવેલા છે, જેને સ્થાનિક ભાષામાં 'પુરા' અથવા 'ચાંડી' તરીકે ઓળખવામાં આવે છે. બાલી દ્વીપ પર સૌથી વધુ હિંદુ મંદિરો આવેલા છે અને ત્યાં આજે પણ હિંદુ બહુમતી વસે છે. ઉપરાંત જાવા, લોમ્બોક અને અન્ય દ્વીપોમાં પણ અનેક ઐતિહાસિક મંદિરો સ્થિત છે. જાવા દ્વીપ પર આવેલ પ્રમ્બાનન મંદિર આ તમામમાં સૌથી પ્રસિદ્ધ માનવામાં આવે છે.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

પ્રમ્બાનન મંદિરને વર્ષ 1991માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જાવા દ્વીપ પર યોગ્યકાર્તા શહેર નજીક આવેલું આ મંદિર ઇન્ડોનેશિયાના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાં સામેલ છે, જ્યાં દર વર્ષે લાખો દેશી અને વિદેશી પ્રવાસીઓ મુલાકાતે આવે છે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી લગભગ 500 કિલોમીટર દૂર આવેલું આ મંદિર નવમી સદીના હિંદુ સ્થાપત્યનું અદભૂત ઉદાહરણ માનવામાં આવે છે. તેની ઊંચી શિખર શૈલી અને પથ્થરો પરની કલાત્મક કોતરણી વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે.

આ પણ વાંચો: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનનો કહેર! : અચાનક પુલ નજીક ટેકરી ધસી પડતાં 3ના મોત, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

સંજય વંશના રાજાએ કરાવ્યું હતું નિર્માણ

ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર પ્રમ્બાનન મંદિરનું નિર્માણ સંજય વંશના રાજા રકાઈ પિકાતન દ્વારા ઈ.સ. 850 આસપાસ શરૂ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજા લોકપાલના સમયમાં મુખ્ય શિવ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને અન્ય શાસકોએ મંદિર સંકુલનો વિસ્તાર કર્યો. આ મંદિર મુખ્યત્વે ભગવાન શિવને સમર્પિત છે, પરંતુ મંદિર સંકુલમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માના ભવ્ય મંદિરો પણ આવેલા છે. ઉપરાંત નંદી, ગરુડ અને હંસને સમર્પિત અલગ મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

ભગવાન શિવનું 47 મીટર ઊંચું ભવ્ય મંદિર

પ્રમ્બાનન મંદિરનું સૌથી આકર્ષક કેન્દ્ર ભગવાન શિવનું મુખ્ય મંદિર છે, જે લગભગ 47 મીટર ઊંચું છે. તેની ભવ્યતા અને સ્થાપત્યકલા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મંદિરની દિવાલો પર અત્યંત સુંદર પથ્થરની કોતરણી કરવામાં આવી છે, જેમાં હિંદુ ધર્મના અનેક પ્રસંગો અને પુરાણોની કથાઓ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને રામાયણના દૃશ્યો અહીં અદભૂત રીતે કોતરાયેલા છે. ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી અને રાવણ સાથે જોડાયેલા પ્રસંગો આજે પણ આ મંદિરની દિવાલો પર જીવંત દેખાય છે.

આ પણ વાંચો: PM મોદીનું ઇન્ડોનેશિયામાં ફાઇટર જેટ્સે કર્યું એસ્કોર્ટ : સર્વોચ્ચ નાગરિક સન્માનથી થશે સન્માનિત, જાણો બ્રહ્મોસથી UPI સુધી અનેક મોટા કરારો

ભૂકંપ અને જ્વાળામુખીથી થયું હતું ભારે નુકસાન

સમય જતાં પ્રમ્બાનન મંદિર પર અનેક કુદરતી આફતોનો પ્રહાર થયો. ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓના કારણે મંદિરને ભારે નુકસાન પહોંચ્યું અને વર્ષો સુધી તે ખંડેર અવસ્થામાં રહ્યું. 19મી સદી દરમિયાન યુરોપિયન સંશોધકોની નજર આ મંદિર પર પડતાં તેના સંરક્ષણ અને પુનઃસ્થાપનનું કાર્ય શરૂ થયું. ત્યારબાદ ઇન્ડોનેશિયા સરકારે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ મંદિરના પુનઃનિર્માણ માટે વિશેષ પ્રયાસો કર્યા. આજે પણ મંદિરના કેટલાક ભાગોના સંરક્ષણનું કાર્ય ચાલુ છે.

ભારત સાથેનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ

પ્રમ્બાનન મંદિર ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક સંબંધોની સાક્ષી છે. પ્રાચીન સમયમાં ભારતીય વેપારીઓ, સંતો અને વિદ્વાનો દ્વારા હિંદુ ધર્મ અને સંસ્કૃતિ ઇન્ડોનેશિયા સુધી પહોંચી હતી. તેના પરિણામે અહીં હિંદુ રાજવંશો ઉભા થયા અને ભવ્ય મંદિરોનું નિર્માણ થયું. મંદિરમાં જોવા મળતી ભારતીય સ્થાપત્ય શૈલી, સંસ્કૃત ભાષાના શિલાલેખો અને રામાયણ-મહાભારત આધારિત કોતરણીઓ ભારત સાથેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now