Home National Wayanad Landslide Meenakshi Bridge Kerala Rain Update

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનનો કહેર! : અચાનક પુલ નજીક ટેકરી ધસી પડતાં 3ના મોત, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

Wayanad Landslide
Published by: Suman Dabhi
Last Updated: Jul 07, 2026, 08:30 AM IST

Wayanad Landslide: કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક દુર્ઘટના સામે આવી છે. મેપ્પડી વિસ્તારના મીનાક્ષી પુલ નજીક થયેલા ભૂસ્ખલનમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં છ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, વાયનાડના કલ્લાડી વિસ્તારમાં મીનાક્ષી પુલ પાસે ટનલ બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. સવારે લગભગ 10 વાગ્યાના સમયે ભારે વરસાદના કારણે પુલ નજીક આવેલી ટેકરીનો મોટો ભાગ અચાનક ધસી પડ્યો હતો. ટેકરી પરથી સરકેલી માટી અને પથ્થરો રસ્તા તેમજ નજીકની નદીમાં ખાબક્યા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભારે વરસાદ વચ્ચે બની દુર્ઘટના

અહેવાલો મુજબ, ટનલ બાંધકામ દરમિયાન ખોદકામથી મોટી માત્રામાં માટી એકત્ર થઈ હતી. સતત વરસાદને કારણે ટેકરીમાં તિરાડો પડી હતી અને ત્યારબાદ અચાનક ભૂસ્ખલન સર્જાયું.

ઘટના સમયે સ્થળાંતરિત મજૂરો માટે બનાવવામાં આવેલી કામચલાઉ શિબિર અને કામદારોને લાવવા માટે ઉભી રાખવામાં આવેલી બે બસો પણ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે સવારનો સમય હોવાથી મોટાભાગના કામદારો સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હોવાનું માનવામાં આવે છે.

બચાવ કામગીરી ચાલુ

ભૂસ્ખલનની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં છ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કાટમાળ નીચે હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની શક્યતા હોવાથી શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. અધિકારીઓએ વરસાદને કારણે બચાવ કામગીરીમાં પડતી મુશ્કેલીઓ છતાં તમામ સંભવિત પ્રયાસો હાથ ધર્યા હોવાનું જણાવ્યું છે.

ભૂસ્ખલન શું છે?

ભૂસ્ખલન એવી કુદરતી આપત્તિ છે જેમાં પર્વત અથવા ટેકરી પરથી માટી, પથ્થરો, કાટમાળ અથવા ખડકો અચાનક નીચે સરકી જાય છે. ભારે વરસાદ, ભૂકંપ, જ્વાળામુખીની ગતિવિધિ, નદી અથવા દરિયાના ધોવાણ જેવી કુદરતી પરિસ્થિતિઓ તેના મુખ્ય કારણો છે. આ ઉપરાંત, વનવિનાશ, ખાણકામ, રસ્તા અને ડેમનું બાંધકામ તેમજ બિનઆયોજિત વિકાસ જેવી માનવસર્જિત પ્રવૃત્તિઓ પણ ભૂસ્ખલનનું જોખમ વધારતી હોવાનું નિષ્ણાતો માને છે.

આ પણ વાંચો: રામ મંદિરમાં ₹500ની બે નોટોથી શરૂ થયો હતો આખો ખેલ! : કેવી રીતે કેસ પહોંચ્યો કરોડોમાં? ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે

ભૂસ્ખલનનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય?

નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઢોળાવવાળા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ, મજબૂત રિટેનિંગ વોલ, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને ઢોળાવને મજબૂત બનાવવાના ઉપાયો અપનાવી ભૂસ્ખલનનું જોખમ ઘટાડી શકાય છે. ઉપરાંત, જોખમવાળા વિસ્તારોનું સમયસર મેપિંગ અને હવામાન આધારીત ચેતવણી પ્રણાલી પણ જાનહાનિ અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારે વરસાદને પગલે કેરળના અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને જરૂરી ન હોય તો જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now